ત્રણેયના વાલી વારસ શોધવા માટે પોલીસ તપાસ શરૂ

સિવિલ હોસ્પિટલ કમ્પાઉડમાં છેલ્લા ૧૫ કલાકમાં ત્રણ અજાણ્યા વ્યક્તિઓના મોત નિપજયા હતા. બિમારીના કારણે બેભાન થઈ જતાં મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૨૩મીના સવારે ૯:૩૦ વાગ્યે વોર્ડ નં.૧૦ની સામે પાર્કિંગના ભાગેથી અજાણ્યા આશરે ૭૦ વર્ષના વૃદ્ધ બેભાન હાલતમાં મળી આવતા ઈમરજન્સીમાં ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. એજ રીતે બપોરે ૨:૩૦ વાગ્યા આસપાસ ૭૦ વર્ષના અજાણ્યા વૃદ્ધા માનસીક રોગ વિભાગ સામેથી બેભાન હાલતમાં મળી આવતા ઈમરજન્સીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.

આ ઉપરાંત રાત્રીના ૧૦:૩૦ વાગ્યે સિવિલ હોસ્પિટલના ટ્રોમાકેર સેન્ટર પાસેથી ૪૦ વર્ષના અજાણ્યો યુવાન બેભાન હાલતમાં મળી આવતા સારવાર અર્થે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરતા ફરજ પરના તબીબે મોત નિપજયાનું જાહેર કર્યું હતું. ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના દેવશીભાઈ ખાંભલા અને જગુભા ઝાલાએ પ્ર.નગરના એએસઆઈ હરેશભાઈ રત્નોતરને જાણ કરતા ત્રણેય મૃતકોના વાલી વારસને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.