- આફતોથી થતા નુકસાન કરતાં વધારે નુકસાન આપત્તિઓથી થતો ગભરાટ કરે છે
અચાનક માથે આવી પડતી આપત્તિઓ માનવી માટે સાચે જ ઘણી દુ:ખદાયી હોય છે. તેનાથી તેને ઘણું મોટું નુકસાન થાય છે, પણ આ આફતોથી થતા નુકસાન કરતાં ઘણું વધારે નુકસાન આપત્તિઓથી થતો ગભરાટ કરે છે. જેને આફત કહી શકાય તેવી ઘટના ભલે ગમે તેટલી ભયંકર,હોય,તો પણ કોઈનું પુષ્કળ નુકસાન કરતી નથી.તે વધુ સમય રોકાતી પણ નથી; પરંતુ એક લપડાક મારી જતી રહે છે. પણ,આ આફત,આ દુર્ઘટનાનો ગભરાટ એક દુષ્ટ ચુડેલ જેવો હોય છે,તે જેની પાછળ પડે છે તેને ખોખરો ન કરી દે ત્યાં સુધી છોડતી નથી.આથી કેટલીય અસ્તવ્યસ્તતા આ ગભરામણને લીધે થાય છે.શારીરિક,માનસિક અને સામાજિક પરિસ્થિતિઓનો સત્યાનાશ વાળી દે છે.
અચાનક આવતી આફતોથી માનવી બચી શકતો નથી.ભગવાન રામચંદ્રજી,શ્રીકૃષ્ણ, રાજા હરિશ્ચંદ્ર,રાજા નળ, પાંડવો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ જેવા આત્માઓને પણ આફતોએ છોડ્યા નથી તો બીજા કોઈ આફતોની લપડાકથી કેવી રીતે બચી શકે ? આ સંસારની વ્યવસ્થા કંઈક એવી છે કે સંપત્તિ અને વિપત્તિ,લાભ અને નુકસાનનું ચક્ર પ્રત્યેક જીવ પર ચાલે જ છે. પ્રારબ્ધ કર્મોના ભોગ ભોગવવા,ઠોકર ખવડાવી ચેતવવા, ક્રિયાશક્તિ, સાહસ,દૃઢતા અને અનુભવશીલતા વધારવા કે બીજા કોઈ હેતુસર વિપત્તિઓ આવે છે.આ વિપત્તિઓનું સાચું કારણ તો પરમાત્મા જ જાણે છે, પણ એટલું ચોક્કસ છે કે આ વિપત્તિઓનો પ્રકોપ જુદી જુદી રીતે સમય સમય પર દરેક માનવીએ વેઠવો પડે છે. અપ્રિય, અરુચિકર અને અસંતોષ કરાવનારી પરિસ્થિતિઓ ઓછીવત્તી માત્રામાં પ્રત્યેક સામે આવે જ છે.આનાથી કોઈ પણ સંપૂર્ણ સુરક્ષિત રહી શકે નહીં,પૂરી રીતે બચી શકે નહીં.
છતાંય જો આપણે ઈચ્છીએ તો આ વિપત્તિઓ પછી થતી અસ્તવ્યસ્ત સ્થિતિમાંથી સરળતાથી બચી શકીએ એમ છીએ; ઉપરાંત આફતોથી થયેલું નુકસાન થોડા સમયમાં જ ભરપાઈ કરી શકીએ એમ છીએ.મુશ્કેલીઓ સામે લડી તેનો સામનો કરી શકીએ એમ છીએ,મુશ્કેલીઓ સામે લડી તેનો સામનો કરી, હરાવી,પુરુષાર્થનો પરચો બતાવવાની મનોવૃત્તિ જ સાચા વીર પુરુષોને શોભા આપે છે.યોદ્ધાઓ એક ઝાટકાથી ધડ-માથું જૂદું કરનાર તલવારને પડકાર આપે છે.બહાદુરોને કોઈનો ડર હોતો નથી.તેઓને હંમેશાં પોતાનું ભવિષ્ય સોનેરી જ દેખાય છે.તેના મનમાં સદાય ઉત્સાહ અને આશાની જ્યોત પ્રગટેલી રાખે છે.ખરાબ સમયમાં આપણા ત્રણ જ સાચા સાથીઓ હોય છે ધૈર્ય,સાહસ અને પ્રયત્ન.જે આ ત્રણેયનો સાથ લે છે,તેનું કોઈ કશું જ બગાડી શકતું નથી.જેણે મુશ્કેલીના સમયમાં પોતાનું માનસિક સમતોલન જાળવી રાખવાનું મહત્ત્વ જાણ્યું છે,જે ખરાબ સમયમાં પણ દૃઢ રહી શકે છે,અંધકારમાં રહેવા છતાં પ્રકાશથી ભરેલા પ્રભાતની આશા રાખે છે,તે વીર પુરુષ થોડા પ્રયત્ને જ કપરાં ચઢાણ ચઢી શકે છે.માનસિક સમતોલન રહેવાથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે અને માનસિક સ્વસ્થતા રહેવાથી તેના મિત્રો નારાજ થતા નથી.આમ પોતે ઉપજાવેલી દુર્ધટનાઓથી તે બચી જાય છે.હવે માત્ર અકસ્માત આફતથી થયેલા નુકસાનને ભરપાઈ કરવાનો પ્રશ્ન રહી જાય છે. વધારે પડતી ઉગ્ર આકાંક્ષાઓ અને ભૂતકાળના અનુભવોના આધારે તે પોતાની વિવેકબુદ્ધિથી પહેલાંના જેવી સુખદાયક સ્થિતિ મેળવવા જરૂરી સાધનો અને એવી યોજનાઓ શોધી કાઢે છે,જે વિપરીત સમયમાં પોતાનું સાહસ અને ધીરજ ટકાવી શકે છે.આવો ભાગ્યશાળી વીર યોદ્ધો પોતાની સમગ્ર જિંદગીમાં ક્યારેય દુર્ભાગ્યની ફરિયાદ કરતો નથી. દુ:ખની ઘડી તેને પરમાત્માનો કોપ નહીં પણ ધૈર્ય,સાહસ અને પુરુષાર્થની પરીક્ષા કરનાર પડકારો જેવી લાગે છે.તે આ પડકારો ઉઠાવી લઈ ગૌરવ મેળવવા સદા તૈયાર રહે છે. ઘણા લોકો ઉંદરને લડતા જોઈ ડરી જાય છે,પણ એવા લાખો યોદ્ધાઓ છે જેઓ દિવસરાત આગ ઓકતી તોપોની છાયામાં સૂવે છે.એક વ્યક્તિને એક ઘટના વજ્રઘાત સમાન અસહ્ય લાગે છે,પણ બીજાને આવી ઘટના સામાન્ય લાગે છે.બહાદુર માનવી પ્રત્યેક નવી પરિસ્થિતિ માટે તૈયાર રહે છે.શરૂઆતના જીવનમાં જે તે એશ-આરામનાં સાધનો ભોગવતો હોય તો તે ગરીબ દશામાં, અભાવગ્રસ્ત દશામાં રહેવા તૈયાર છે.આ રીતે સાહસ બતાવનાર વીર પુરુષો જ આ સંસારમાં સુખી જીવનનો ઉપભોગ કરવાના અધિકારી છે.જેઓ કલ્પિત ભવિષ્યના અંધારાની બીકે અત્યારે જ માથું ફોડી રહ્યા હોય; તેઓ એક પ્રકારના નાસ્તિક છે.આવા લોકો માટે આ સંસાર દુ:ખમય,નર્કરૂપ બની જશે અને ભવિષ્ય પણ તેવું જ બનશે.