જિલ્લા ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓ પર ધોંસ બોલાવતા પંથકમાં ખનીજ ચોરી કરતા રેત માફીયાઓમાં ફફડાટ
હળવદ પંથકમાં થતી ખનીજ ચોરી અટકાવવા જિલ્લા ખાણ ખનીજ અને હળવદ પોલીસ દ્વારા ખનીજ માફિયાઓ પર ધોંસ બોલાવામાં આવી રહી છે ત્યારે ગત મોડી સાંજે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા બે ટ્રક કપચી અને એક ટ્રક રેતી તેમજ આજે હળવદ પોલીસ દ્વારા તાલુકાના ચાડધ્રા ગામે ખનીજ ચોરી કરતા પાંચ ટ્રેકટર ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ગત મોડી સાંજના અરસામાં જિલ્લા ખાણ ખનીજના અધિકારી યુ.કે.સિંઘ, એસ.જે. પટેલએ હળવદ નજીક ખનીજ ચોરી કરતા ટ્રક નં.જી.જે.૩૬.ટી. ૦૭૯પ, જી.જે.૩૬. ટી.૮૦૩૩, જી.જે.૧૩ ટી.૮૧ર૦ને ઝડપ્યા હતા. જેમાં બે ટ્રકમાં પપ ટન કપચી તેમજ એક ટ્રકમાં ૪૦ ટન રેતી સાથે મુદામાલ કબજે કરી હળવદ પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે ખનીજ ચોરી કરતા નંબર વગરના પાંચ ટ્રેકટરોને હળવદ પોલીસે ઝડપી લીધા હતા. ઝડપાયેલ પાંચેય ટ્રેકટર ચાલકોને ખાણ ખનીજનો મેમો ફટકાર્યો હતો. મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓ પર ધોંસ બોલાવતા પંથકમાં ખનીજ ચોરી કરતા રેત માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.