સવારે 6:53 કલાકે 3.4 ગોંડલથી 22 કિમિ દૂર, ત્યારબાદ 7:16 કલાકે 1.9 ગોંડલથી 28 કિમિ દૂર અને 9:40 કલાકે 2ની તીવ્રતાનો આંચકો ગોંડલથી 23 કિમિ દૂર દક્ષિણ પશ્ચિમ ખાતે નોંધાયો
અબતક, રાજકોટ
ગુજરાતમાં કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા હોવાના અહેવાલો અવારનવાર આવતા રહે છે, પરંતુ આજે વહેલી સવારે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લગભગ 3 કલાકમાં જ ગોંડલ પંથકમાં ભૂકંપના ત્રણ આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સવારે પોણાસાત વાગ્યાની આસપાસ 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 22 કિ.મી દૂર નોંધાયું હતું.આટકોટ પંથકમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપની ખબર પડતાં જ લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. જોકે આંચકાની તીવ્રતા ઓછી હોવાથી મોટા ભાગના લોકોને અનુભવ થયો નહોતો. બારી-બારણાં પર ભૂકંપની અસર દેખાઈ હોવાનું લોકોએ જણાવ્યું હતું.
સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે 6:53 કલાકે ગોંડલથી 22 કિમિ દૂર 3.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે ત્યારબાદ 7:16 કલાકે ગોંડલથી 28 કિમિ દૂર 1.9ની તીવ્રતાનો આંચકો સાઉથ વેસ્ટ ખાતે અને છેલ્લે 9:40 કલાકે ગોંડલથી 23 કિમી દૂર 2ની તીવ્રતાના આચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. આ તમામ આંચકાની ઉંડાઇ જમીનથી અંદર 7 કિમિની નોંધાઇ હતી.
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કરછના ભચાઉમાં પણ ત્રણ આંચકા આવ્યા હતા. ગઈકાલે બપોરે 12:22 કલાકે ભચાઉમાં 1.6, ત્યારબાદ સાંજે 7:44 કલાકે 2ની તીવ્રતા અને મોડી રાતે 1:10 કલાકે 1.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આજે ત્રણ કલાકમાં જ ગોંડલ-વિરપુરમાં ત્રણ આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
જો કે વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ ઠંડી વધતા હવે આવા નાના મોટા આંચકાનું પ્રમાણ પણ વધશે જેનાથી લોકોએ ગભરાવાની જરૂર નથી. આજે આવેલા કંપનથી કોઈ જાનહાની સમાચાર પ્રાપ્ત થયાં નથી.