નો યોર ફુડ (તમારા ખોરાકને જાણો) એપ બનાવનારનું સ્પેશિયલ એવોર્ડથી સન્માન

પ્રજાસતાક દિનની રાજ્ય સ્તરીય ઉજવણીને અનુલક્ષીને રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીના યજમાનપદે રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી રાજકોટ સ્માર્ટ સિટી હેકેથોન-૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં અલગ અલગ કેટેગરીમાં આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ટીમ ઉત્કૃષ્ટ દેખાવ કરીને વિજેતા બની હતી.

આત્મીય યુનિવર્સિટીનાં એમ.સી.એ. ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની ટીમે રાજકોટ મહાનગરપાલિકા માટે પ્લાન્ટ અ ટ્રી એપ્લિકેશન વિકસાવીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો. કેવિન અઘેરાનાં નેતૃત્વમાં સાવન ચાંગેલા, દેવાંગ ગરાચ અને શિવાંગ પનારાએ આ એપ્લિકેશન બનાવવામાં સફળતા મેળવી હતી.  જેમાં અધ્યાપક નીરજ ભાગચંદાણીએ માર્ગદર્શન આપ્યું હતું.  તે જ રીતે બાયોકેમિસ્ટ્રી અને માઈક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થિનીઓની ટીમને સ્પેશિયલ એવોર્ડથી સન્માનીત કરવામાં આવી હતી.  આ ટીમેનો યોર ફૂડ (તમારા ખોરાકને જાણો) એપ્લિકેશન બનાવી છે.  જેના દ્વારા ખાદ્ય પદાર્થનાં પોષક તત્વો ઉપરાંત તેમાં કોઈ ભેળસેળ થઈ હોય તો તે પણ જાણી શકાય છે.અવની પોકિયાનાં નેતૃત્વમાં શ્રેયા દેત્રોજા, નિષ્ઠા ગેડીયા અને જીના હોથીએ આ એપ્લિકેશન વિકસાવ્યું છે.

આ પ્રોજેકટમાં ડો. ભાવના જાગાણીએ માર્ગદર્શન આપ્યું હતું. પ્રથમ ક્રમાંકે વિજેતા રહેલી ટીમને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રૂ. ત્રીસ હજારના પુરસ્કારનો ચેક એનાયત કરીને સન્માનીત કરવામાં આવી હતી.  આત્મીય યૂનિવર્સિટીના સંવાહક પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પ્રોવોસ્ટ પ્રો. સંથાનકૃષ્ણન, ફેકલ્ટી ઓફ એન્જીનિયરીંગના ડીન ડો. જી.ડી. આચાર્ય, પ્રો. પરાગ શુક્લ વગેરેએ હર્ષની લાગણી વ્યક્ત કરીને વિજેતા ટીમ્સને અભિનંદન આપ્યાં હતાં.  લોકોને દૈનિક જીવનમાં સહાયરૂપ થાય અને રાજકોટ શહેર લોક સુખાકારીને કેન્દ્રમાં રાખીને સાચા અર્થમાં સ્માર્ટ સિટી તરીકે વિકસે તે પ્રકારે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આત્મીય યુનિવર્સિટી સહાયભૂત થવા કટિબધ્ધ હોવાની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.