-
ગામના આગેવાન, મંડળીના હોદ્દેદાર અને પડધરીના રજપૂત શખ્સની સંડોવણીની શંકા
-
પોલીસે ૨૫૦ ટન સળગેલા બારદાનનો સર્વે કરી પંચનામું કર્યુ
પડધરી તાલુકાના તરઘડી ગામ નજીકથી આશરે ૨૫૦ ટન સળગેલા બારદાન મળી આવ્યાની ‘અબતક’ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળનું પંચનામું કર્યુ હતું. અને તપાસ હાથ ધરતા બારદાન સળગાવવાની ઘટનામાં ગામના આગેવાન, મંડળીના હોદેદાર અને પડધરીના રજપૂત શખ્સની મગન ઝાલાવડીયા સાથે સંડોવણી હોવાનું શંકા સાથે પૂછપરછ હાથ ધરી છે.
તરઘડી ખાતે બીન ખેતી થયેલી વિશાળ જમીન પર સળગેલો બારદાનનો મોટો જથ્થો પડયો હોવાની ‘અબતક’ની ટીમના ધ્યાને આવતા શાપર ખાતેના નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે મગફળી રાખેલા ગોડાઉનમાં લાગેલી આગ સાથે જોડાયેલી ઘટના હોવાની શંકા સાથે પોલીસનું ધ્યાન દોર્યુ હતું.
‘અબતક’ની ટીમ દ્વારા કરાયેલી છાનભીન દરમિયાન તરઘડીના ખેડુત ખાતેદાર ગોરધન પોપટ મોલીયાએ પોતાની જમીનનું વેચાણ કર્યા બાદ જમીન ખરીદનારે જમીન બીન ખેતી કરાવી પ્લોટીંગ પાડી વેચાણ કરી નાખ્યું હતું.
પડતર પ્લોટમાં મગન ઝાલાવડીયાએ ત્રણેક માસ પહેલાં સળગેલી હાલતમાં બારદાનનો મોટો જથ્થો રાખ્યા બાદ બારદાનનું ધ્યાન રાખવા માટે સિકયુરીટી ગોઠવી હતી. સળગેલા બારદાન સગેવગે કરી પુરાવાનો નાશ કરવાના ઇરાદે મગન ઝાલાવડીયાએ એકાદ માસ પહેલાં અખબારમાં બારદાન વેચવા અંગે જાહેર ખબર આપી હોવાથી ભાટીયાના સ્ટેશન રોડ પર રહેતા અશોક મોહન કાનાણી નામની વ્યક્તિએ ૨૫૦ ટન બારદાન પૈકી ૫૦ ટન સળગેલા બારદાન ટનના રૂ.૧૦૦૦ લેખે ખરીદ કર્યા હતા અને ૨૧ ટન બારદાન ભાટીયા પહોચાડી દીધાનું બહાર આવ્યું છે.
મગન ઝાલાવડીયાની માલીકીની જમીન ન હોવા છતાં ગુઝકોટને સળગેલા બારદાન રાખવા ભાડે આપી માસિક ભાડુ પણ વસુલ કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પી.એસ.આઇ. વાય.બી.રાણા, કરશનભાઇ કલોતરા અને બ્રીજરાજસિંહ સહિતના સ્ટાફે ઘટના સ્થળનું પંચનામું કરી જમીનની ખરેખર માલિકી કોની છે તે અંગે તપાસ હાથધરવામાં આવી છે.