બે વિધાર્થીઓને 1+8, બે વિધાર્થીઓને 1+4, એક વિધાર્થીને 1+6 જયારે અન્ય 52 વિધાર્થીઓને 1+1ની સજા
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન નાઘેડી કોલેજમાં બી.કોમ સેમ-6ની પરીક્ષામાં ખુલ્લેઆમ પરીક્ષા ચોરીમાં દ્રશ્યોએ શિક્ષણ જગતમાં ચકચાર જગાવી હતી. જેમાં વીઆઈપી સુવિધા સાથે પરીક્ષા આપતા 3 વિધાર્થીઓ સામે મોડે મોડે કોપીકેસ કરવામાં આવ્યા હતા અને બાદમાં કોલેજનું કોમર્સ જોડાણ રદ કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રકરણ મામલે નાઘેડીકાંડના ત્રણ આરોપીઓને આજે ઇડીએસીની બેઠકમાં સજા કરવામાં આવી હતી હવેથી આ ત્રણેય આરોપીઓ આજીવન ભણી શકશે નહિ કે નહિ તો પ્રવેશ મેળવી શકશે
આ સિવાય કુલપતિ ડો.ગિરીશ ભીમાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, નાઘેડીના ત્રણેય વિધાર્થીઓને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કે સંલગ્ન કોલેજમાં પ્રવેશ મેળવી શકશે નહિ અને અમે બીજી તમામ યુનિવર્સીટીને પણ આ બાબતે જાણ કરીશું.
વધુમાં તેઓ જણાવ્યું હતું કે, આજની ઈડીએસી બેઠકમાં નાઘેડીની કોલેજના ત્રણ વિધાર્થીઓ સહીત અન્ય 57 વિધાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં બે વિધાર્થીઓને 1+8, બે વિધાર્થીઓને 1+4, એક વિધાર્થીને 1+6 જયારે અન્ય 52 વિધાર્થીઓને 1+1ની સજા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને સજા ફટકારવા માટેની ઈડીએસીની બેઠક સમયાંતરે મળતી રહે છે પરંતુ અધ્યાપકોને સજા ફટકારવા માટેની ઈડીઆઈસીની બેઠક ઘણા સમયથી નહીં મળી હોવાથી પ્રોફેસરોને બચાવવાનાં પ્રયત્નો હોવાની ચર્ચા કેમ્પસમાં ચાલી રહી છે.