સ્થાનિકો દ્વારા એક બાળકી સહિત ચારને બચાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા : મૃતદેહને બહાર કાઢવા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરાયું
અમદાવાદ શહેરના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં કાટમાળ નીચે પાંચ જેટલા લોકો દટાયા હોવાની આશંકાને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ત્યારે નાના બાળક સહિત ચાર જેટલા લોકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ફાયરબ્રિગેડ દ્વારા કાટમાળ નીચેથી ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
આ અંગે મળતી વધુ માહિતી મુજબ આજે સવારે શહેરના મીઠાખળી ગામમાં આવેલું ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતાં મકાનના કાટમાળમાં ઘરના પાંચ સભ્યો દટાયા હતા. જે બાદ આ અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
આ અંગે ફાયરની ટીમ દ્વારા કાટમાળ દૂર કરવા માટે જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાટમાળ હટાવીને તેની નીચે ફસાયેલા ચાર લોકોને બહાર કાઢી સારવાર માટે ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં ઘરમાં રહેતા પાચ પૈકી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો.
મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરના મણિનગર સ્થિત ઉત્તમનગર સ્લમ કવાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. સ્લમ કવાટર્સના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
મૃતકનું નામ
૧)વિનોદભાઈ
ઈજાગ્રસ્ત વ્યક્તિઓ
૧)શિલ્પાબેન
૨)કિશનભાઈ
૩)ગૌરવભાઈ
૪)તનિષ્કા (ઉં.વ.2)