હલકું લોહી હવલદારનું
- પ્રેમ લગ્નમાં પત્નીના ત્રાસથી ત્રસ્ત યુવાને ફિનાઇલ ગટગટાવ્યું: બીજા યુવાને પણ પત્ની બાળકોને લઈને જતા રહેતા એનેથેસિયાનું ઇન્જેક્શન માર્યું
- ઉચ્ચ પોલીસ અધિકારીએ દવા પી જવાનું કહેતા પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં ઘર કંકાસ અને પારિવારિક ઝઘડાના વધતાં જતાં બનાવ સાથે પોલીસ કમિશનર કચેરીએ ન્યાયની અપેક્ષા લઈને આવતા લોકોમાં આત્મવિલોનના બનાવો પણ વધતાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ હલકું લોહી હવાલદારનું હોય તેવા વાક્યને સાર્થક કરતી ઘટનાઓ સામે આવી છે. પોલીસ ત્રાસના આક્ષેપથી અલગ અલગ ત્રણ આત્મવિલોપનના પ્રયાસ થયા છે. જેમાં જુદા જુદા બે યુવાનોએ પોતાની પત્નીના ત્રાસથી કંટાળી પોલીસ કમિશનર કચેરીએ આત્મવિલપનનો પ્રયાસ કર્યો હતો.તો અન્ય બનાવમાં માંડા ડુંગરની મહિલાએ સીપી કચેરીએ ઉચ્ચ પોલીસ અધિકારીએ દવા પી જવાનું કહેતા પોતે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તમામ ઘટનાઓ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.
સીપી કચેરીએ પત્ની સાથે બાળકોને મળવા આવેલા યુવાને ઇન્જેક્શન મારી કર્યો આપઘાતનો પ્રયાસ આજીડેમ પાસે રામ પાર્કમાં રહેતા અને હોસ્પિટલમાં નોકરી કરતા રવિ પ્રવીણભાઈ જોષી નામના 30 વર્ષીય યુવાને પોલીસ કમિશનર કચેરીએ એનેથેસિયાનું ઇન્જેક્શન લગાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
રવિ જોષીએ ઇન્જેક્શન લીધા પહેલા લાંબી સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં જણાવ્યા મુજબ તેની પત્ની માધુરીના ત્રાસથી કંટાળી પોલીસ કમિશનર કચેરીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રવિની પત્ની માધુરી તેમના સંતાનને લઈ જતા રહ્યા બાદ પોતાના બાળકને જોવા માટે કહ્યું હતું. ત્યારે પત્નીએ મળવા માટે પોલીસ કમિશનર કચેરીએ બોલાવ્યા હતા. જ્યાં દંપતી વચ્ચે ઝઘડો થતા યુવાને પોતાના પાસે રહેલું એનેથેસિયાનું
ઇન્જેક્શન પોતાની જાતે મારી દીધું હતું. જેથી યુવાનને તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પત્ની પીડિત યુવાને પોલીસ કમિશનર કચેરીએ ફિનાઇલ ગટગટાવ્યું
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કમિશનરની ઓફિસે પિયુષ રાઠોડ નામના યુવાને ફિનાઇલ ગટગટાવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તુરંત પિયુષની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી. તો બીજી તરફ પૂછતાછ કરતા પિયુષ રાઠોડના પ્રેમ લગ્ન થયા હોય ત્યાર બાદ પત્ની અવારનવાર પજવણી કરતી હોવાનું જણાવ્યું હતું.
પિયુષ રાઠોડની પત્નીએ ખોટા કેસ કરતા તાલુકા પોલીસના સ્ટાફ દ્વારા પોતાને અવારનવાર પોલીસ મથકે બોલાવી વારંવાર હેરાન પરેશાન કરી તેને માર માર્યો હોવાનું પણ પિયુષ રાઠોડ દ્વારા ઉમેરવામાં આવ્યું હતું.
ઉચ્ચ પોલીસ અધિકારીની ચઢામણીથી મહિલાએ ઝેર ગટગટાવ્યું
માંડા ડુંગરમાં રહેતી પારૂલબેન રાજેશભાઈ પરમાર નામની 37 વર્ષની મહિલાએ પોલીસ કમિશનર કચેરીએ ઉચ્ચ અધિકારીએ ઝેરી દવા પી મરી જવાનું કહેતા મહિલાએ ઝેરી દવા પી લેતા તેણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
હોસ્પિટલના બિછાને રહેલા પારૂલબેનએ પોતાના પતિ રાજેશ સહિતના સાસરિયાઓ ત્રાસ આપતા હતા. પતિ રાજેશ સહિત ભક્તિનગર પોલીસ મથકમાં નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ તેના દિયર સહિત સાસરિયાઓ ત્રાસ ગુજારતા હોવાથી પોલીસમાં અરજી આપી હતી.
પરંતુ દિયર પોલીસમાં ફરજ બજાવતો હોવાથી પોતાની ફરિયાદનું નિરાકરણ ન આવતાં મહિલા ન્યાય માટે પોલીસ કમિશનર કચેરીએ ગઇ હતી. જ્યાં કોઈ ઉચ્ચ પોલીસ અધિકારી તેને ન્યાય અપાવશે તેવી આશા સાથે અધિકારીને મળવા ગયા હતા. પરંતુ કમિશનર કચેરીએ ઉચ્ચ અધિકારીએ મરવા માટે ચઢામણી કરતા મહિલાએ તેના પતિના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.