અજાણ્યા શખ્સો મોડીરાતે ગોળીબાર કરી ફરાર થતાં જવાહર ચોકમાં નાસભાગ: હત્યાની કોશિશનો નોંધાતો ગુનો
સુરેન્દ્રનગરના જવાહર ચોકમાં આવેલી શિવમ હોટલના માલિક પર અજાણ્યા શખ્સોએ મોડીરાતે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થતા નાસભાગ મચી ગઇ છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જવાહર ચોક વિસ્તારમાં આવેલી શિવમ હોટલના માલિક દેવુભા વિક્રમસિંહ ઝાલા તેમની હોટલે હતા ત્યારે મોડીરાતે અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા અને તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાની કોશિષ કરી ભાગી ગયા હતા.
ગંભીર રીતે ઘવાયેલા દેવુભા ઝાલાને સુરેન્દ્રનગર બાદ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ફાયરિંગ પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ફાયરિંગના કારણે ડીવાય.એસ.પી.,એલસીબી અને એસઓજી સહિતનો સ્ટાફ જવાહર ચોક દોડી ગયા હતા અને ફાયરિંગ કરી ભાગી છુટેલા શખ્સોને ઝડપી લેવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.