બાઈક પર આવેલા બે શખ્સો ગોળીબાર કરી ફરાર થતા ઉપલેટાનાં મેમણ પરિવારમાં ફફડાટ
કચ્છનાં સમૃદ્ધ શહેર ગાંધીધામના શકિતનગરમાં રહેતા કપડાના વેપારીના ઘર પર બુધવારે રાત્રે ત્રણ રાઉન્ડ ફાયરીંગ થતા ચકચાર મચી ગઈ છે. બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમો પિસ્ટલથી બારી સામે નિશાન તાકીને ધડાધડ ત્રણ રાઉન્ડ ગોળીબાર કરીને નાસી ગયા હતા. ઘટનાને પગલે ગાંધીધામ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ દફતરેથી મળતી વિગતો મુજબ જાવેદ યાકુબભાઈ નાથાણી (મેમણ) (ઉ.વ.૪૪, રહે.શકિતનગર, મકાન નં.૪૩-બી, ગાંધીધામ: મુળ રહે.ઉપલેટા-જિલ્લો રાજકોટ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના ઘર પાસે બાઈક ઉપર આવેલા ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરનાં અજાણ્યા બે ઈસમોએ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. રાત્રીના સવા અગિયાર વાગ્યાના અરસામાં આવેલા શખ્સોએ ઘરની બારી પર નિશાન તાકીને ગોળીબાર કર્યો હતો. બાઈક પર આવેલા બે શખ્સોમાંથી પાછળ બેઠેલા શખ્સે પોતાના હાથમાં રહેલી પિસ્ટલથી ફરિયાદી અથવા તો તેના ઘરના સભ્યો તેમજ નીચે રહેતા કર્મચારીઓમાંથી કોઈને પણ જાનથી મારી નાખવાના ઈરાદે ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે ફાયરીંગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ કે કોઈને ઈજાઓ પણ પહોંચી ન હતી. અજાણ્યા શખ્સો ફાયરીંગ કરીને નાસી ગયા હતા.
અલબત, આ ઘટનાથી ફરિયાદી અને તેમના પરિવારજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. થોડીવાર માટે તો તેઓ શુઘ્ધબુઘ્ધ ભુલી ગયા હતા અને કઈ રીતે શું થયું તેની જાણ સુઘ્ધા પણ રહી ન હતી. ઘટના અંગે ફરિયાદી જાવેદ યાકુબભાઈ નાથાણીએ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીઆઈ બી.એસ.સુથાર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. તપાસનીશ પોલીસ ઈન્સ્પેકટરે કહ્યું હતું કે, અનીતા એકસપોર્ટ ઝોનમાં કપડાના વેપારી છે. તેમના ઘર પર થયેલી ફાયરીંગ અંગેની ફરિયાદ મળતા પોલીસ દ્વારા આસપાસનાં વિસ્તારોનાં સીસીટીવી ફુટેજની તપાસ હાથધરાઈ છે. આ પહેલા પણ ગાંધીધામના કાપડના વેપારીની હત્યા થઈ હતી.