કારમાં ધસી આવેલા ચાર શખ્સો રિવોલ્વરમાંથી આડેધડ ગોળીબાર કરી ફરાર: હત્યાની કોશીષનો નોંધાતો ગુનો

શહેરના નવાગામ ખાતે ચાર દિવસ પહેલા રૂ.૩ લાખની ઉઘરાણીના પ્રશ્ને ફાયરીંગની ઘટનાની પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે ત્યાં શહેરના ગંજીવાડા વિસ્તારમાં નામચીન શખ્સ પાસે રૂ.૨ લાખની ઉઘરાણી કરતા ચાર શખ્સોએ રિવોલ્વરમાંથી ૩ રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થયાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઈ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગંજીવાડા શેરી નં.૬માં રહેતા અબ્દુલભાઈ સુલેમાનભાઈ માજોઠી નામના ૪૦ વર્ષના યુવાને હિતેષ ધનજી ખીમસુરીયા, પ્રવિણ ઉર્ફે પલીયો કોળી, સુરેશ ઉર્ફે વાકો કોળી અને લાલો બાવળીયો નામના શખ્સોએ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યાની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જમીન-મકાનના ધંધાર્થી અબ્દુલભાઈ માજોઠીએ ચારેક વર્ષ પહેલા હિતેશ ધનજી ખીમસુરીયાને રૂ.૨ લાખ હાથ ઉછીના આપ્યા હતા. તેની ઉઘરાણી કરતા બન્ને વચ્ચે થયેલા ઝઘડાના કારણે હિતેશે ફોન કરીને અબ્દુલભાઈને ફોન કરી ‘તૈયારી રાખજે’ ‘લડી લેવુ છે’ તેવી ધમકી દેતા અબ્દુલભાઈએ પોતાના મકાનના દરવાજા બંધ કરી દીધા હતા. તેમ છતાં ગઈકાલે સાંજના ૮:૩૦ વાગ્યાના સુમારે હિતેશ ખીમસુરીયા પ્રવિણ ઉર્ફે પલીયો, સુરેશ ઉર્ફે વાકો અને લાલો બાવળીયા સિલ્વર કલરની અલ્ટ્રો કાર લઈને અબ્દુલભાઈના ઘરે ધસી આવ્યા હતા.

ચારેય શખ્સોએ ગાળો દીધા બાદ મકાન પર ફાયરીંગ કરી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવાયું છે. ગંજીવાડામાં સરાજાહેર ફાયરીંગ થતાં ઘટના સ્થળે ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એચ.એમ.ગઢવી અને થોરાળા પોલીસ મથકના પીઆઈ એસ.એમ.ગડુ સહિતના સ્ટાફ ગંજીવાડામાં દોડી ગયા હતા. ફાયરીંગ કરી ભાગી છુટેલા ચારેય શખ્સોને ઝડપી લેવા પોલીસે નાકાબંધી કરાવી હતી. હિતેશ ખીમસુરીયા અગાઉ લૂંટ, હથિયાર અને ચોરી સહિતના અનેક ગુનામાં વોન્ટેડ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.