અમદાવાદથી પુત્રની સગાઈ કરવા આવેલા પિતાએ હવામાં ફાયરીંગ કરતા મીસ ફાયરથી પ્રૌઢને ગોળી લાગી: પોલીસે હથિયાર કબજે કરી પ્રસંગનું વીડિયો રેકોર્ડીંગ તપાસ્યું
નાનામૌવા સર્કલ પાસે રાજશૃંગાર પાર્ટી પ્લોટમાં દીકરાની સગાઈ માટે આવેલી અમદાવાદની પાર્ટીના સગાઈના પ્રસંગમાં રંગમાં ભંગ પડયો હતો. હવામાં ફાયરીંગ દરમિયાન અમદાવાદના એક પટેલ પ્રૌઢને વાંસામાં ગોળી લાગતા એને તાબડતોબ નાણાવટી ચોકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. જેની હાલત વધુ પડતી ગંભીર હોવાનું કહેવાય છે.
ગઈકાલે રાતે સાડા નવથી દસ વચ્ચે રાજશૃંગાર પાર્ટી પ્લોટમાં અમદાવાદના ચીમનભાઈ દેવળિયા એમના દિકરાની સગાઈ કરવા માટે રાજકોટ આવ્યા હતા અને સગાઈ પ્રસંગ વખતે ગેલમાં આવી જઈ ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ કરતા એ દરમિયાન અમદાવાદના પ્રવિણભાઈ છગનભાઈ પટેલ (ઉ.વ.૫૫)ને વાંસામાં ઈજા થઈ હતી. પ્રથમ દ્રષ્ટિએ પોલીસને એમ કહેવાયું હતું કે ટવેલ્વબોર હથિયાર છગનભાઈ પાસે જ હતું અને એ હથિયારમાંથી જ ગોળી વછુટતા મીસ ફાયરીંગ થયું હતું.
જેના કારણે એના વાંસામાં ઈજા થઈ હતી અને એ પછી એને હોસ્પિટલમાં સારવારમાં લઈ જવાયા હતા. હોસ્પિટલમાં એને તાબડતોબ શસ્ત્રક્રિયા કરી હતી. આ બનાવ બનતા જ તાલુકા પોલીસ મથકના ઈન્સ્પેકટર વણઝારા તેમજ ડામોર વગેરે ઘસી ગયા હતા અને બનાવ અંગે નિવેદનો લેવાના ચાલુ કર્યા હતા. આ દરમિયાન એવી પણ એક વિગત મળી હતી કે આ ઘટના મીસ ફાયરીંગની નહીં પણ અન્ય કોઈના હથિયારમાંથી ગોળી વછુટી છે. જેના કારણે પ્રવિણભાઈને ઈજા થઈ છે. પોલીસે હોસ્પિટલ ખાતે રહીને નિવેદનો લેવાના ચાલુ કર્યા છે અને મહત્વની કડી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે અને જે હથિયારમાંથી ગોળી વછુટી કે છોડવામાં આવી એ હથિયાર કબજે લેવામાં આવ્યું છે.
તેમજ આ હથિયાર પરવાનાવાળુ છે કે નહીં એ બાબતની તપાસ હાથ ધરી છે. તેમજ લગ્નમાં રોકાયેલા વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર પાસેથી વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી જોવાનું પોલીસે ચાલુ કર્યું છે. હજુ આ ઘટના અંગે સતાવાર રીતે ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી છે. પ્રવિણભાઈ પટેલની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.