સ્ટુડિયો સંગીતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર હાસ્ય થશે અનલોક
ગુણવંત ચુડાસમા, ચંદ્રેશ ગઢવી અને પ્રીત ગોસ્વામી લઇને આવે છે નવો નકોર કોમેડી શો: થશે ‘ફેકિંગ ન્યૂઝ’ની જમાવટ
શું આપ રોજે રોજ એકસરખા વોટ્સએપ ફોરવર્ડથી કંટાળ્યા છો ? કોરોના, ચાઇના કે પાકિસ્તાનની ‘પંચાયત’ હવે આપને બોર કરે છે ? તો થઇ જાવ તૈયાર ‘ફનચાયત’ કરવા !!! કેમ કે સ્ટુડિયો સંગીતા અને નિર્માતા ગીરીશ શેઠ તથા પંકજ શેઠ લઇને આવે છે તદ્દન નવા વિષય સાથે કોમેડી શો ‘ફનચાયત’ ! સૌરાષ્ટ્રના ત્રણ દિગ્ગજ હાસ્યકલાકારો ગુણવંત ચુડાસમા, ચંદ્રેશ ગઢવી અને પ્રીત ગોસ્વામી આ કોમેડી શોમાં એકીસાથે હાસ્યની ધમાચકડી બોલાવતા જોવા મળશે. આવતીકાલ એટલે કે ૧૯ જુલાઈ, રવિવારે સ્ટુડિયો સંગીતાની ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર સવારે ૧૧:૦૦ કલાકે ‘ફનચાયત’નો પ્રથમ ગ્રાન્ડ એપિસોડ પ્રિમિયર થશે.
દેશ વિદેશમાં અનેક હસાયરા દ્વારા ગુજરાતીઑના હ્ય્દયમાં સ્થાન મેળવનાર ટોચના હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમાએ આ શો અંગે ‘અબતક’ને જણાવ્યું કે, “ગુજરાતીમાં આ પ્રકારનો આ સૌ પ્રથમ પ્રયોગ છે, નવા અને કરંટ વિષયો સાથે લોકોને હસાવાનો અમારો નમ્ર પ્રયાસ છે, આશા રાખીએ કે લોકો આ પ્રયાસને વધાવશે
હાસ્યકલાકાર અને લોકો સાહિત્યકાર ચંદ્રેશ ગઢવીએ કહ્યું કે, “લોકડાઉન અને કોરોના કાળ દરમિયાન લોકોને સૌથી વધુ સતાવતી સમસ્યા છે ડિપ્રેશન ! હળવા મનોરંજન થકી લોકોને આ વિકટ કાળમાં હળવા ફૂલ કરવા અમે પ્રયત્ન કર્યો છે, આશા છે કે લોકોને ટેન્શન ફ્રી થવાનું ટોનિક મળશે.
આ શોના રાઇટર અને રાજકોટના ટોચના એક્ટર-ડિરેક્ટર પ્રિત ગોસ્વામીએ કહ્યું કે, “લોકડાઉન દરમિયાન દરેક કલાકારોએ લોકોને મનોરંજન પુરૂ પડવાનો યથાયોગ્ય પ્રયત્ન કર્યો છે, અત્યારે જાહેર કાર્યક્રમ અશક્ય છે, આવી સ્થિતિમાં અમે સાવ નવા વિષય સાથે અને એકદમ ફ્રેશ હાસ્ય સાથે ગુજરાતી દર્શકો માટે મનોરંજનો ખજાનો લઇને આવ્યા છીએ, એ આશા છે કે, કાઇ નહીં ઘટે !!! તો કાલે સવારે સ્ટુડિયો સંગીતાની ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર તૈયાર થઈ જજો ‘ફનચાયત’ કરવા !!!