વરસાદે વિરામ લેતાની સાથે જ રાજમાર્ગો પર મેટલ, મોરમ અને પેવિંગ બ્લોક પાથરવાની કામગીરી પુરજોશમાં: વેસ્ટ ઝોનમાં ૫૩ રાજમાર્ગો, ઈસ્ટ ઝોનમાં ૩૪ રાજમાર્ગો અને સેન્ટ્રલ ઝોનમાં ૧૨૧ રાજમાર્ગો પરનાં ખાડાઓ કરાયા રીપેર
ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં શહેરમાં પડેલા રેકોર્ડબ્રેક ૫૭ ઈંચથી પણ વધુ વરસાદનાં કારણે શહેરનાં રાજમાર્ગોને ૫૦.૯૭ કરોડનું નુકસાન થવા પામ્યું છે જેના રીપેરીંગ માટે રાજય સરકાર દ્વારા રૂપિયા ૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાએ વિરામ લેતાની સાથે જ મહાપાલિકા દ્વારા શહેરનાં ત્રણેય ઝોનમાં રાજમાર્ગો પર ખાડા બુરવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આજ સુધીમાં ૨૦૮ ખાડાઓ બુરી દેવામાં આવ્યા હોવાનું સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ચોમાસું પૂર્ણ થતાની સાથે જ શહેરમાં ફરી તમામ રોડ ડામરથી મઢી દેવામાં આવશે. વરસાદે વિરામ લેતાની સાથે જ રાજમાર્ગો પરનાં ખાડાઓ બુરવા માટે મોરમ, મેટલીંગ કે પેવિંગ બ્લોક નાખવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે જે અંતર્ગત વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨માં ૫૩ રાજમાર્ગો પરનાં ખાડા બુરી દેવામાં આવ્યા છે. જેમાં ગજાનંદ ચોક, ભારતીનગર, ઓસકાર ૪ માળીયાવાળો રોડ, અક્ષરનગર મેઈન રોડ, નાણાવટી ચોક, રામેશ્વર હોલ રોડ, ધર્મેશ્વર મંદિર ચોક, પંચરત્ન પાર્ક, નર્મદા પાર્ક, બીગબજાર ચોક, અમીન માર્ગ, દર્શન પાર્ક, શિલ્પન કુંજ, સમરસ હોટેલ, પી.પી.રોડ, રૈયા ટેલીફોન એકસચેન્જ, આર.કે.નગર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, યુનિવર્સિટી રોડ, તોરલ પાર્ક મેઈન રોડ, કોટેચા ચોક, કાલાવડ રોડ, ગોવિંદ રત્ન પાર્ક, ભીમ ચોક, ઓમનગર, ખીજડાવાળો રોડ, બાલાજી હોલ, આયરલેન્ડ રેસીડેન્સી, મવડી ચોકડી, બાપાસીતારામ ચોક, ભવાનીનગર મેઈન રોડ, સાકરીયા બાલાજી ચોક અને વાવડી બાયપાસ એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. ઈસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૪, ૫, ૬, ૧૫, ૧૬, ૧૮માં કુલ ૩૪ રાજમાર્ગો પરનાં ખાડાઓ બુરી દેવામાં આવ્યા છે. જેમાં જુનો મોરબી રોડ, નવો મોરબી રોડ, કુવાડવા રોડ, પેડક રોડ, સંતકબીર રોડ, આડો પેડક રોડ, કુવાડવા રોડ, મારૂતી ૫૦ ફુટ રોડ, રણછોડનગર, ભાવનગર રોડ, મહિકા રોડ, કબીરવન મેઈન રોડ, દુધસાગર મેઈન રોડ, સિદ્ધિ-સિદ્ધિ મેઈન રોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ રોડ, જીઆઈડીસી મેઈન રોડ, ૮૦ ફુટ રોડ, દેવપરા, મારૂતી ૮૦ ફુટ રોડ, કોઠારીયા રોડ અને ઢેબર રોડનો સમાવેશ થાય છે.
સૌથી વધુ શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૨૧ રાજમાર્ગો રીપેર કરવામાં આવ્યા છે જેમાં જામનગર રોડ, રૈયા રોડ, એરપોર્ટથી હનુમાનમઢી રોડ, કસ્તુરબા રોડ, રેસકોર્સ રીંગ રોડ, ચુડાસમા પ્લોટ મેઈન રોડ, આદર્શ સોસાયટી મેઈન રોડ, શ્રદ્ધા રેસીડેન્સી, સાધુ વાસવાણી કુંજ રોડ, પરસાણાનગર, બેડીનાકા, જંકશન મેઈન રોડ, હોસ્પિટલ ચોકથી કેસરીપુલ, ટાગોર રોડ, વિદ્યાનગર મેઈન રોડ, રામનાથપરા મેઈન રોડ, હાથીખાના મેઈન રોડ, પેલેસ રોડ, કરણપરા ચોક, મોરલા ચોક, ભુપેન્દ્ર રોડ, કબીર ગેઈટ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, માલવીયા ચોક, રામકૃષ્ણનગર, લીમડા ચોક, કોઠારીયા નાકા પાસે, રાજેન્દ્રપ્રસાદ રોડ, ગોંડલ રોડ, પરાબજાર, ઢેબર રોડ વન-વે, પીડીએમથી સ્વામિનારાયણ ચોક સુધીનો રોડ, લક્ષ્મીવાડી, ગાયકવાડી, ધર્મજીવન સોસાયટી, ગીતા મંદિર રોડ, કેનાલ રોડ, મીલપરા મેઈન રોડ, ગીતાંજલી પાર્ક મેઈન રોડ, રામેશ્વર ચોક, આનંદનગર સહિતનાં વિસ્તારોનો સમાવેશ થાય છે.