Abtak Media Google News
  • ધોરાજીમાં સ્ટેમ્પ પેપર પર બોગસ ડોક્યુમેન્ટ અને સહીઓથી નોટરી કરાવી ગિફ્ટ ડિડ કરાવી લીધું’તું: આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ શહેરના પંચનાથ મંદિર પાસે આવેલ એ.એન.એસ.પ્રા.લી. પેઢીમાં કર્મચારી ધોરાજીના મહેન્દ્ર ધાંધલે ગાંધીનગરના નરેન્દ્રભાઈ નામના વૃદ્ધનું ડિમેટ એકાઉન્ટ બિનવારસી સમજી અશોક શેખવા નામના શખ્સ સાથે મળી અમિત સુચકના એકાઉન્ટમાં 15 લાખના શેર બોગસ ડોક્યુમેન્ટથી ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી આચર્યાની ફરિયાદ આર્થિક ગુન્હા નિવારણ શાખામાં નોંધાઈ છે.ગાંધીનગરના વૃધ્ધના 15 લાખના શેર ધોરાજીના બે સહિત ત્રણ શખ્સોએ બોગસ ડોક્યુમેન્ટ અને સહીઓ કરી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધાનું કૌભાંડ સામે આવતાં વૃધ્ધની ફરીયાદ પરથી આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે ગાંધીનગરના સરગાસણ ચાર રસ્તા પાસે રહેતાં નરેન્દ્રભાઇ ઘીરજલાલ સાદરાણી (ઉ.વ.70) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહેન્દ્ર જયરાજ ધાંધલ (રહે.રાજકોટ), અમીત અમૃતલાલ સૂચક (રહે.ધોરાજી) અને અશોક વલકુ શેખવા (રહે. ફરેણી, ધોરાજી) નું નામ આપતાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આઈપીસી 465,467,468,471 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

રિયાદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2003 પહેલા જુનાગઢમાં એ.એન.એસ. પ્રા.લી. (અજય નટવરલાલ શેઠ) નામની ડીપોઝીટરી પાર્ટીસીપન્ટ નામની કંપની જે સેબીમાં નોંધાયેલ છે, તેમાં ડીમેટ એકાઉન્ટ નંબર 1201980000005169 થી ખોલાવેલ હતું. જે એકાઉન્ટમાં બેંક ઓફ બરોડાના 1500 શેર, બેંક ઓફ મહારાષ્ટ્રના 100 શેર, લાર્શન એન્ડ ટુર્બોના 225 શેર, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 24 શેર, અલ્ટ્રાટેક સિમેન્ટના 20 શેર મળી કુલ 1869 શેરની ખરીદી કરેલ હતી. બાદમાં તેઓએ ડીમેટ એકાઉન્ટમાં કોઇ લેવડ દેવડ કરેલ નથી કે તેમાં આર્થીક વ્યવહારો કરેલ ન હોય જેથી એકાઉન્ટ ડોરમેન્ટ થયેલ હતું અને શેર તેમાં જમા હતા.

ગત તા.15/01/2024 ના તેમણે ઇ મેઇલ ચેક કરતા સી.ડી.એસ.એલ. કંપની દ્વારા મેઇલ મોકલવામાં આવેલ હોય જે જોતા કંપનીના તમામ શેર અંગેની કોઇ વિગત દર્શાવવામાં આવેલ ન હોય અને ડીમેટ એકાઉન્ટમાં એકપણ શેર નથી તેવુ સ્ટેટમેન્ટ આવેલ હતું. જેથી રાજકોટમાં પંચનાથ મંદિરની બાજુમાં આવેલ એ.એન.એસ. પ્રા.લી. ની મેઇન ઓફીસે કોલ કરી ડીમેટ એકાઉન્ટમાં રહેલ કંપની શેર કેમ એકાઉન્ટમાં બતાવતા નથી.જેથી તેણે કહેલ કે, હું તમને તમારા ડીમેટ એકાઉન્ટમાં થયેલ ટ્રાન્ઝેકશન અંગેની શીટ ઇ-મેઇલ કરુ છું. જે સ્ટેટમેન્ટ જોતા ડીમેટ એકાઉન્ટમાં રહેલ તમામ કંપનીના શેર તા.23/03/2023 ના કલાયન્ટ આઇ.ડી. નંબર 12033201 64321396 માં જમા થયેલ હોવાનુ જણાય આવેલ હતું. જેથી તેઓએ વળતો ઇ-મેઇલ મોકલી જણાવેલ કે, મેં મારા એકાઉન્ટમાંથી અન્ય કોઇના ડીમેટ એકાઉન્ટમાં કયારેય શેર ટ્રાન્સફર કરેલ ન હોય અને તે બાબતે માહિતી પુરી પાડવાનું જણાવ્યું હતું.

બાદમાં ફરિયાદી ગાંધીનગરથી રાજકોટ દોડી આવ્યા અને એ.એન.એસ.પ્રા.લી. ની ઓફિસે ગયેલ અને ત્યાં કંપની સેક્રેટરીને રૂબરૂ મળી જણાવ્યું હતું કે, ડીમેટ એકાઉન્ટમાં રહેલ તમામ કંપનીના શેર અન્ય કલાયન્ટ આઇ.ડી. માં કેવી રીતે ટ્રાન્સફર થયા અને તેઓએ કયારેય આવુ કોઇ ટ્રાન્ઝેકશન કરેલ નથી. જેથી કંપની સેક્રેટરીએ સાંજે પાંચ વાગ્યે ડીમેટ એકાઉન્ટની ટ્રાન્ઝેકશન કોપી બતાવેલ અને જણાવેલ કે, તમારા ડીમેટ એકાઉન્ટમાં જે કાંઈ પ્રક્રીયા થયેલ છે તે તમામ (સેબી)ના રૂલ્સ મુજબ કરવામાં આવેલ છે. જેથી અમોએ કંપની સેક્રેટરીને તમામ ડોકયુમેન્ટ આપવાનુ કહેતા કંપની સેક્રેટરીએ અમને જણાવેલ કે અમે તમને તમામ ડોકયુમેન્ટ મોકલી આપશું.

બાદમાં બે-ત્રણ દિવસ બાદ એ.એન.એસ.પ્રા.લી. તરફથી ફોન આવેલ અને જણાવેલ કે, તમે રૂબરૂ રાજકોટ ઓફીસે આવો. જેથી તેઓ તેના પુત્ર સાથે રાજકોટ ઓફિસે આવી લીગલ એડવાઇઝરને રૂબરૂ મળેલા અને તેની પાસે રહેલ ફાઇલમાંથી તમામ ડોકયુમેન્ટની નકલ બતાવવામાં આવેલ જેમાં તેઓની સહીઓ કરેલ હોય જેથી લીગલ એડવાઝરને જણાવેલ કે, મેં કયારેય આવી પ્રોસેસ કરેલ નથી કે આવા કોઇ ડોકયુમેન્ટમાં સહીઓ કરેલ નથી. ઉપરાંત ગીફટ ડીડની ઝેરોક્ષ કોપી પણ બતાવતા તેઓએ જણાવેલ કે, મેં આવુ કોઇ ગીફટ ડીડ કરી આપેલ નથી કે અમીત અમૃતલાલ સુચકને ઓળખતો પણ નથી,તેમજ આવો કોઇ સ્ટેમ્પ પેપર પણ ખરીદ કરેલ નથી અને આ તમામ ડોકયુમેન્ટ બોગસ બનાવેલ છે. તેમજ તા.16/03/2023 ના તેમના નામનુ એકાઉન્ટ ડીટેઇલ એડીશન ઓડીફીકેશન રીકવેસ્ટ બતાવેલ જેમાં કોઇ એડ્રેસ દર્શાવવામાં આવેલ નથી અને ફકત મોબાઈલ નંબર અને ઇ-મેઇલ એડ્રેસ લખેલ હોય અને ફોર્મમાં નીચે તેઓની અંગ્રેજીમાં સહી કરેલ હતી. જે જોઈને લીગલ એડવાઇઝરને કહેલ કે, મેં કયારેય આવુ કોઈ ફોર્મ ભરેલ નથી કે મોબાઇલ નંબર પણ મારો નથી અને ફોર્મમાં એડ્રેસ પણ લખેલ નથી. તમામ ડોકયુમેન્ટ બોગસ બનાવવામાં આવેલ છે.

બોગસ સહી મારફત ખાતું અનફ્રિજ કરી ઠગાઈ આચરી લેવાઈ

ડીમેટ એકાઉન્ટમાં જુનાગઢ રહેતા તેઓના સબંધીના ઘરના લેન્ડ લાઇન નંબર લખાવેલ હતાં. તેમજ તેઓએ પોતાના મોબાઈલ નંબર અને ઈમેઈલ એડ્રેસ ડીમેટ એકાઉન્ટમાં તા.02/11/2023 ના એડ કરેલ હતું. જે અંગે મેસેજ પણ આવેલ હતો. બાદમાં કંપની તરફથી તા.20/01/2024 ઈ-મેઇલ મારફતે અમુક ડોક્યુમેન્ટ ઇ-મેઇલ મારફતે મોકલાવેલ હતા. જેમાં તા.16/03/2023 ના ડીમેન્ટ એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે મારી સહીથી ફોર્મ ભરી પેઢીમાં રજુ કરવામાં આવેલ અને તે બાબતે એ.એન.એસ.પ્રા.લી. પેઢીએ આ ખોટા ડોકયુમેન્ટને ખરા ગણી ખાતું અનફ્રીઝ કરેલ હતું. તેમજ એકાઉન્ટમાં તેમની જાણ બહાર મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવેલ જે મોબાઇલ નંબર તેઓ ધરાવતો નથી અને તે મોબાઇલ નંબર કોનો છે તે તેઓને ખબર નથી.

ગિફ્ટ ડિડ બનાવવા સ્ટેમ્પની ધોરાજીથી ખરીદી કરાઈ

ફરિયાદીના નામે રૂા.300 નો સ્ટેમ્પ પેપર ધોરાજીથી ખરીદ કરવામાં આવેલ જેમાં તેઓની નીચે અંગ્રેજીમાં સહી કરવામાં આવેલ છે અને તેમાં ડેકલેરેશન ગીફટનું અંગ્રેજમાં લખાણ કરવામાં આવેલ હતું. ડીમેટ એકાઉન્ટમાં રહેલ તમામ શેર અમીત સૂચકને ગીફટ કરેલ હોય તે અંગેનુ લખાણ કરેલ હતું. જેમાં ડોનર તરીકે તેઓની અંગ્રેજીમાં ખોટી સહી કરવામાં આવેલ છે. તેમજ બે સાક્ષીઓની અંગ્રેજીમાં સહીઓ કરેલ હતી. પરંતુ તેઓ અમીત સૂચક કે સાક્ષીઓ આર.પી. મહેતા,

બી.બી.કોટક ને ઓળખતાં નથી. જેથી ગીફટ ડીડ ખોટી સહીઓ કરવામાં આવેલ છે. ડીમેટ એકાઉન્ટમાં રહેલ તમામ શેર અમીત સૂચકના એંજલ વનના ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલ છે. તેમજ એ.એન.એસ.પ્રા.લી. કંપનીના જવાબદાર અધિકારીઓએ સ્લીપમાં સહીઓ કરી મંજૂર કરવામાં આવેલ હતી.

કર્મચારીએ જ મિત્રો સાથે મળી કૌભાંડને અંજામ આપ્યો

એ.એન.એસ.પ્રા.લી. કંપનીના જવાબદાર અધીકારી તરીકે નોકરી કરતા મહેન્દ્ર ધાંધલ પાસે ડીમેન્ટ એકાઉન્ટની સમગ્ર માહિતી હોય અને એકાઉન્ટ છેલ્લા ઘણા સમયથી એકટીવ હતું. જેમાં ઇમેઇ એડ્રેસ કે મોબાઇલ નંબર પણ અપડેટ થયેલ ના હોય જેથી ડીમેન્ટ એકાઉન્ટ બીન વારસી સમજી પોતાના આર્થીક લાભ માટે તેને તેના ઓળખીતા અશોક શેખવા અને અમીત સૂચક સાથે મળી કાવતરું રચી ડીમેટ એકાઉન્ટની માહિતી મેળવી તેમા તેઓની બનાવટી સહીઓ વાળા ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી એકાઉન્ટમા રહેલ તમામ શેર અમીત સુચકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી તે શેર વેચી દિધા હતાં. ફરિયાદીના ડીમેટ એકાઉન્ટમાં જમા શેર રૂ. 15 લાખના હતાં. જે તેઓની જાણ બહાર આરોપીએ ટ્રાન્સફટ કરાવી આર્થીક નુકશાન પહોંચાડેલ હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ જે.એમ.કૈલા અને ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.