Abtak Media Google News
  • દુકાનેથી ફ્રાઈમ્સ લઇ ગયાં બાદ પૈસા માંગતા લુખ્ખા તત્વોએ ઉશ્કેરાઈ જઈ લાફા ઝીંક્યા : પોલીસે આવારાતત્વોને સકંજામાં લીધા

દ્વારકામાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. આવારા તત્વો સામાન્ય પ્રજાને બેફામ રંઝાડ આપતાં જ હોય છે પરંતુ ગઈકાલે આ લુખ્ખા તત્વો એ પત્રકાર પર હુમલો કરતા ચકચાર મચી જવા પામ્યો છે. દ્વારકાના અગ્રણી વેપારી અને ’અબતક’ના પત્રકારની દુકાને તેમની ગેરહાજરીમાં આવી વિવિધ ફ્રાઈમ્સના પેકેટ લઇ ગયાં બાદ પૈસાની માંગણી કરવામાં આવતા ઉશ્કેરાયેલા લુખ્ખા તત્વોએ હુમલો કરી દીધો હતો. હાલ પોલીસે ગુન્હો દાખલ કરી ત્રણેય લુખ્ખા તત્વોને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ’અબતક’ના પત્રકાર મહેન્દ્રભાઈ નવનીતલાલ ક્કકડએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ મહાજન બજારમાં જલારામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવે છે. ગત તા. 2જી મેના રોજ બપોરના બે વાગ્યાં આસપાસ તેઓ દુકાનની ઉપર બીજા માળે આવેલ વખારમાં માલસમાન કાઢવા ગયેલ હતા તે દરમિયાન અમુક શખ્સો તેમની દુકાને આવી કોઈને પૂછ્યા વિના ફ્રાઈમ્સના આશરે 200 રૂપિયાની કિંમતના પેકેટ લઈને જતાં રહ્યા હતા. મહેન્દ્રભાઈ દુકાને પરત ફરતા ત્યાં ઉભેલ એક જાત્રાળુએ જણાવેલ હતું કે, બાજુની હોટેલમાંથી કોઈક ભાઈ આવીને નાસ્તાના પડીકા લઇ ગયેલ છે.

જે બાદ મહેન્દ્રભાઈ બાજુમાં આવેલી શ્રી દ્વારકાધીશ હોટેલમાં પહોંચ્યા હતા અને કોણ મારી દુકાનમાંથી ફ્રાઈમ્સના પેકેટ લઇ ગયેલ છે તેવું પૂછ્યું હતું અને તેના પૈસાની માંગણી કરેલ હતી. ત્યારે હોટેલના દાદરા ઉપરથી ત્રણેક શખ્સો આવેલ જેમના નામ ફરિયાદીને આવડતા ન હતા પણ પાડોશમાં જ હોટેલ હોવાથી તેઓ આ ત્રણેય શખ્સોને જોયે ઓળખતા હતા. આ શખ્સો મહેન્દ્રભાઈ પાસે આવીને તે પૈસા માંગ્યા જ શું કામ? અમે કોણ છીએ તું ઓળખતો નથી? તેમ કહી બેફામ ગાળો આપવા લાગેલ હતા અને બીજીવાર પૈસા માંગીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલ હતી. જે ધમકી મળ્યે મહેન્દ્રભાઈ ક્કકડએ 100 નંબર પર ફોન કરીને બનાવની જાણ કરી હતી. પોલીસ જાણ કરવાથી ઉશ્કેરાયેલા શખ્સો પૈકી એક શખ્સે મહેન્દ્રભાઈને જાપટ મારેલ હતી અને તે પોલીસને ફોન શું કામ કર્યો? કહી પોતાનું મોટરસાયકલ ફરિયાદીના દુકાનની સામે આડું રાખી હવે આ મોટરસાયકલ અહીંયા જ રહેશે તેવું કહી બેફામ ગાળો ભાંડી હતી અને ફરીવાર જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.

બનાવની જાણ થતાં પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે દોડી આવી હતી અને આ ત્રણેય લુખ્ખા તત્વોને પોલીસ સ્ટેશને લઇ ગયેલ હતી. હાલ દ્વારકા પોલીસે આ મામલે આઈપીસીની કલમ 323,382, 504,506(2) સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધી ત્રણેય શખ્સોને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી આરંભી છે. ત્યારે હવે આવા લુખ્ખા તત્વોના રંઝાડથી સામાન્ય પ્રજાને મુક્ત કરાવવા દાખલારૂપ કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. પોલીસ તપાસમાં ત્રણેય શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે જે મુજબ હોટેલ સંચાલક અશ્વિન રામભાઈ નાઘેરા(ઉ.વ.22), ભાર્ગવ રમેશભાઈ ગઢવી (ઉ.વ.25), શૈલેષભા બહાદુરભા માણેક(ઉ.વ. 27) વાળા હોવાનું ખુલવા પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.