લૂંટના ગુનામાં સંડોવાયેલા ત્રણેય શખ્સોને એલસીબીએ ગણતરીના કલાકોમાં ઝડપી લીધા
અબતક,જામનગર
જામનગરના દરેડ વિસ્તારમાં પ્રૌઢ પર હુમલો કરી રૂ.14 હજાર રોકડા અને મોબાઈલની લૂંટ ચલાવ્યાની ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાતા લૂંટના ગુનામાં સંડોવાયેલા ત્રણેય શખ્સોને ઝડપી લૂંટનો ભેદ ઉકેલ્યો છે.
એક વૃદ્ધ કારખાનામાંથી છૂટીને ઘેર આવી રહેલા બાઈક ચાલકને 3 અજાણ્યા શખ્સોએ અકસ્માત સર્જી પછાડી દઇ ઢોર માર માર્યો હતો, અને રૂપિયા 14 હજારની રોકડ અને મોબાઈલ ફોન સહિતની સામગ્રી લુંટીને ભાગી છૂટયા હતા. જે ફરિયાદ ના બનાવ પછી પોલીસ અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.જેમાં એલસીબી સ્ટાફના હરદીપભાઈ ધાંધલ, શિવભદ્રસિંહ જાડેજા અને ફિરોજભાઈ ખફી ને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારો થી ચોક્કસ ,બાતમી મળી હતી જેથી એગણતરીના કલાકોમાં જ એલસીબીની ટીમે લૂંટનો ભેદ ઉકેલી નાખી 3 શખ્સોને સકંજામાં લીધા છે.
જેમાં એક શખ્સ ફરિયાદીની સાથે જ નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. જયારે લૂંટના આ બનાવની માહિતી મુજબ એવી છે કે જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને દરેડ વિસ્તારમાં બલાર્ક નામના કારખાનામાં કામ કરતા કિરીટભાઈ પ્રેમજીભાઈ ચુડાસમા નામના 62 વર્ષીય વૃદ્ધ ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં કારખાનેથી છુટીને પોતાના બાઈક ઉપર ઘર તરફ પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન ખંભાળિયા બાયપાસ રોડ ઉપર જુદાજુદા બે વાહનોમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ કિરીટભાઈના વાહનને ઠોકર મારી પછાડી દીધા હતા, અને 3 શખ્સોએ રોડથી નીચે લઈ જઈ વારાફરતી ઢોર માર માર્યો હતો.
તેઓ પાસેથી રૂપિયા 14 હજારની રોકડરકમ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 28 હજાર ની માલ મત્તાની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા. જે બનાવ પછી કિરીટભાઈ ચુડાસમાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓએ પોતાને લૂંટી લેવા અંગે ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ પછી પંચકોશી બી. ડિવિઝનની ટિમ સાથે એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી, અને ફરિયાદી જે કારખાનામાં કામ કરે છે તેના સીસીટીવી કેમેરાઓની ચકાસણી કરવામાં આવતાં તેની સાથે જ કામ કરતો એક કર્મચારી કે જેણે પોતાના સાગરીતોની મદદથી આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એલસીબીની ટીમે ત્રણેય શખ્સોને સકંજામાં લઇ લીધા હોવાનું અને તેઓની ઉલટ તપાસ ચલાવવામાં આવી રહી છે.