કાર રીપેરીંગ બાબતે થયેલી બોલાચાલીમાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો: ત્રણ શખ્સોની શોધખોળ
શહેરમાં ખાખીનો ખોફ ઓસરતો જતો હોય તેમ ચોરી, મારામારી અને ધોળે દિવસે ફાયરીંગની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ હડકંપમાં આવી ગઇ છે. શહેરીજનોમાં કાયદો વ્યવસ્થા સામે આંગણી ચિંધાય રહી છે.
શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા દુધસાગર રોડ પર વીમાના દવાખાના પાસે આવેલા એક ગેરેજ સંચાલક પર કાર રીપેરીગ કરવા જેવી નજીવી બાબતે બે રાઉન્ડ ફાયરીંગની ઘટનાને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ શખ્સોને ઝડપી લઇ કાયદાના આકરા પાઠ ભણાવ્યા હતા. જયારે નાશી છુટેલા ત્રણ શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના દુધસાગર રોડ પરની લાખાજીરાજ સોસાયટીમાં શેરી નં.૧માં રહેતા મોરસીન ઉર્ફે સાજીદ આદમભાઇ
નામનો યુવાન ભાગીદારમાં દુધ સાગર રોડપર વીમાના દવાખાના પાસે ખુલ્લા વંડામાં ફાસ્ટ ટ્રેક નામથી મોટર ગેરેજ ચલાવે છે. તે સાંજના સમયે ગેરેજના બાજુમાં આવેલી પાનની દુકાને બેઠો હતો ત્યારે તેના મામાનો પુત્ર ઇમરાન ત્યાં દોડીને આવ્યો હતો. અને કહ્યું કે હાઉસીંગ બોર્ડમાં રહેતો ઇમ્તિયાઝ ઉર્ફે લાબો ભીખુ રાઉમા અને અક્રમ ઉર્ફે મામુના હાથમાં રીવોલ્વર સાથે તથા અજાણ્યા સહીત છ શખ્સો ગેરેજમાં ગાળા ગાળી કરી રહ્યા છે.
જેથી મોરસીના તાત્કાલીક ગેરેજે દોડી જતાં જયાં ઇમ્તિયાઝ તેના પિતા આદમભાઇને ગાળો ભાંડી કરતો હતો કે ગેરેજ બંધ કરી દે નહીંતર હું બંધ કરાવી દઇશ અને એકાદને ગોળી મારી ઢીમ ઢાળી દઇશ ગેરેજે હાજર સકીલ અને નદીમને પિસ્તોલ દેખાડી ધમકાવતો હતો. ત્યારે સમજાવા જતાં ઇમ્તિયાઝ તેની પિસ્તોલમાંથી ફાયરીંગ કરતા મીસ ફાયર થયું હતું. બાદ બીજો રાઉન્ડ ફાયરીંગ જમીન પર કરતા હાજર લોકોએ બુમાબુમ કરતા આરોપી કારમાં નાશી છુટયાની થોરાળ પોલીસ મથકમાં ફરીયાદમાં નોંધાવ્યું હતું.
આ બનાવની જાણ પોલીસને થતાં ક્રાઇમ બ્રાંચના અધિકારી સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ ફરીયાદના આધારે પોલીસે ઇમ્તિયાઝ, અક્રમ ઉર્ફે મામુ, ઇરફાન ભીખુ રાઉમા, હુસેન રસુલ સિપાઇ જુનેદ અને મહમદ હુસેન જહાંગીર મકરાણી વિરુઘ્ધ ખુનની કોશિષનો ગુનો નોંઘ્યો હતો.
ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ગણતરીના કલાકમાં ઇરફાન ભીખુ રાઉમા, હુસેન રસુલ સિપાઇ અને અકરમ અલ્તાફ સુમરાની ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવી વધુ તપાસ અર્થે થોરાળા પોલીસ મથકના સ્ટાફને સોંપતા પી.આઇ. ખરાડી અને જાવેદભાઇએ રિવોલ્વર કબજે કરવા અને નાશી છુટેલા શખ્સોની ધરપકડ કરવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.