ગોંડલ નગરપાલિકાની વીજળી શાખાના ચેરમેન અને સદસ્ય સહિત સીસીટીવી ફૂટેજ ડિલીટ કરનારની શોધખોળ
રાજકોટ-ગોંડલ હાઈવે પર શાપર-વેરાવળમાં અગાઉ કારખાનામાં ચોરી કરવાના ઈરાદે દલિત યુવાન ઘુસીયો હોવાની શંકાએ કારખાનાના માલિક સહિતના પટેલ શખ્સોએ યુવાનને મારમારી હત્યા કર્યાની ઘટના હજુ લોકો ભુલી નથી શકયા ત્યારે ગોંડલ નજીક ભરૂડી ગામની સીમમાં આવેલા પેન્ટાગોન નામના કારખાનામાં ચોરી કર્યાનું આળ મુકી રસોઈ બનાવવા કામ કરતા શ્રમિક યુવાનને કારખાનાના માલિક તથા ગોંડલ પાલિકાના વિજળી શાખાના ચેરમેન સહિત છ શખ્સોએ યુવાનને બેફામ મારમારી હત્યા કર્યા બાદ કારખાનાના સીસીટીવી ફુટેજ ડિલીટ કરી હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવતા ગોંડલ તાલુકા પોલીસના પીએસઆઈ એ.વી.જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથધરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
આ અંગેની વિગત મુજબ મુળ રાજસ્થાનના પુનાવલી ગામનો વતની અને હાલ ગોંડલનાં ભરૂડી ગામની સીમમાં આવેલા પેન્ટાગોન કારખાનામાં રસોઈ બનાવવાનું કામ કરતો લક્ષમણસિંહ મોહનસિંહ ચૌહાણ નામના રજપુત યુવાને ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પેન્ટાગોન કારખાનાના માલિક અને ગોંડલ પાલિકાના વિજળી શાખાના ચેરમેન રવિ કાલરીયા, સીકયુરીટી ઈન્ચાર્જ શૈલેષ ફૌજી, ભોજપરાનો અક્ષય ઉર્ફે ભાણો રમણીક ચોવટીયા તથા કારખાનામાં કેન્ટીંગનો કોન્ટ્રાકટ ચલાવતા અને રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગ્રીનલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતો વિનોદ ગોપાલ ડઢાણીયા નાનામવા રોડ ઉપર રહેતો આશિષ જમનાદાસ ટીલવા તથા અશોક રૈયાણી સહિતના શખ્સોએ કારખાનામાં હતા ત્યારે શંકરરામ નામનો શ્રમિક યુવાન કારખાનાની ઓફિસમાં આંટા મારતો હોય તેવું સીસીટીવીમાં ફુટેજ હોય તેમ કહી શંકર રામ ઓફિસમાં ચોરી કરવા ગયો હોવાનું ચોરીનું આળ મુકી પ્લાસ્ટીકના પાઈપ તથા ઢીકાપાટુનો માર મારી શંકરરામની હત્યા કરી નાખી ઉપરોકત શખ્સોએ કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરામાંથી યુવાનને માર મારતા હોય તેવું રેકોર્ડીંગ ડિલીટ કરી નાખતા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એ.વી.જાડેજા તથા રાઈટર ધમભા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથધરી યુવાનની હત્યા કરવાના ગુનામાં અક્ષય ઉર્ફે ભાણો રમણીક ચોવટીયા, વિનોદ ગોપાલ ડઢાણીયા અને આશિષ જમનાદાસ ટીલવા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી જયારે ઈન્ચાર્જ એસપી સાગર બાગમારે, ડીવાયએસપી. પી.એ.ઝાલા, એસીબીના પીઆઈ એમ.એન. રાણા, ગોંડલ તાલુકા પીએસઆઈ એ.વી.જાડેજા સહિતના સ્ટાફે કામગીરી બજવી હતી. પ્રેસકોન્ફરન્સ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજસ્થાની યુવાન શંકરરામને કંપનીના ડાયરેક્ટર વિનોદ ગોપાલ ડઢાણિયા, તેના સંબંધી અને ગોંડલ નગર પાલિકાના સદસ્ય રવિ કાલરિયા તથા કંપનીમાં સિક્યુરીટીનો કોન્ટ્રાક્ટ ધરાવતા અને નગર પાલિકાના સદસ્ય શૈલેષ ફોજી અને કંપનીના કેન્ટીન ચલાવતો રાજકોટનો અક્ષય ઉર્ફે ભાણું, આશિષ ટિલવા સહિતના શખસોએ ચોરીનું આડ મુકી માર માર્યો હોય અને યુવાન અર્ધ બેભાન થઈ જતા તેના સંબંધીઓને સોંપી દીધો હતો તે દરમિયાન બાઈક ઉપર સારવારમાં શંકરરામને લઈ જતા હતા ત્યારે તેનું રસ્તામાં જ મૃત્યુ થતા તેના સગા સંબંધી ડરના માર્યા લાશને રસ્તામાં જ છોડીને નાશી ગયા હતા. બે દિવસ પહેલા પોલીસને હત્યા કરાયેલી અજાણ્યા યુવાનની લાશ મળી હોય જેની તપાસ દરમિયાન આ સમગ્ર હત્યાની ઘટના પર પ્રકાશ પડ્યો હતો પોલીસે હાલ કંપનીના ડાયરેક્ટર વિનોદ, અક્ષય ઉર્ફે ભાણો અને આશિષ ટિલવાની ધરપકડ કરી છે. જ્યારે ગોંડલ નગર પાલિકાના સદસ્ય રવિ કાલરિયા, શૈલેષ ફોજી અને આ સમગ્ર હત્યાની ઘટનાના સીસીટીવી ફુટેજ કમ્પ્યુટરમાંથી ડીલીટ કરનાર અશોક રૈયાણી સહિતના ત્રણ શખસો નાશી ગયા હોય જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.