દર્દીનો મોબાઈલ તફડાવતા શખ્સને પોલીસ હવાલે કરાયો
સૌરાષ્ટ્રની હબ ગણાતી સિવિલ હોસ્પિટલ અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ દારૂની મહેફીલ મારતા ત્રણ અને દર્દીનાં મોબાઈલ તફડાવતા એક શખ્સને સિકયુરીટી ગાર્ડે ઝડપી પોલીસ હવાલે કર્યા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાછળ ભુપત રાણા, બીપીન હીરા અને રમેશ લક્ષ્મણ નામના શખ્સો દારૂની મહેફીલ માણતા સિકયુરીટી ઈન્ચાર્જ ગીરીરાજસિંહ રાઠોડના હાથે ઝડપાઈ ગયા હતા. સિકયુરીટી ઈન્ચાર્જે ત્રણેય શખ્સોને દારૂની બોટલ અને પીધેલી હાલતમાં પ્ર.નગર પોલીસ હવાલે કર્યા હતા.
જયારે બીજા બનાવમાં જસદણના રબારીકા ગામમાં રહેતા ભીખુભાઈ મનુભાઈ નામનો યુવાન ઓપીડી બીલ્ડીંગમાં દવાબારીએ દવા લેવા લાઈનમાં ઉભો હતો. ત્યારે ઘંટેશ્વર પાટીયા નજીક રહેતા સંજય હરજી દેવીપૂજક નામનો શખ્સ પણ ફાઈલ લઈ તેની બાજુમાં ઉભો રહ્યો હતો.
ભીખુભાઈની નજર ચૂકવી મોબાઈલ સેરવી લીધો હતો. ભીખુભાઈએ તેને પકડી સીકયુરીટી ઓફીસર એ.ડી. જાડેજા, સુપરવાઈઝન જનકસિંહ ઝાલા અને દક્ષાબેન મકવાણાને સોંપ્યો હતો. મોબાઈલ સેરવી લેનાર શખ્સને પીસીઆર વાન બોલાવી પોલીસને સોંપી દીધોહતો. આ બંને બનાવ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.