પાર્કિગમાં બાઇક પર ઘસી આવેલા લુખ્ખાએ છરી બતાવી વૃધ્ધાનો ચેન ઝુંટવી લીધા બાદ બાઇક ચાલકનો મોબાઇલ લૂંટી ત્રણેય લૂંટારા ફરાર
શહેરમાં લુખ્ખાઓની પોલીસ સરા જાહેર આકરી પૂછપરછ કરી શાન ઠેકાણે લાવતા હોવા છતાં કેટલાક લુખ્ખાઓ અવાર નવાર લખણ ઝળકાવી છમકલા કરી રહ્યા હોય તેમ કોઠારિયા રોડ પર આવેલા ધર્મ દર્શન એપાર્ટમેન્ટના પાર્કિગમાં બાઇક પર ઘસી આવેલા ત્રણ લુખ્ખાઓએ છરી બતાવી વૃધ્ધાનો સોનાનો ચેન અને બાઇક ચાલકના મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા રોડ પર આવેલા ધર્મ દર્શન સોસાયટીમાં ધર્મ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા શારદાબેન મનસુખભાઇ અટારા નામના ૭૨ વર્ષના વૃધ્ધાના ગળામાંથી રૂ.૩૦ હજારની કિંમતના ૧૨ ગ્રામ સોનાના ચેન અને નરેન્દ્રભાઇ કુલરનો રૂ.૫ હજારની કિંમતના મોબાઇલની ત્રણ અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવ્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ધર્મ દર્શન એપાર્ટમેન્ટના પાર્કિગમાં ફલેટ ધાકરો બેઠા હતા ત્યારે ત્રણ સ્વારી બાઇકમાં આટાફેરા કરતા શખ્સોને ટપારી કોને ત્યાં જવું છે તે અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે ત્રણ શખ્સો પૈકી એક શખ્સે પોતાની પાસે રહેલી છરી કાઢીને ફલેટ ધારકોને ધમકાવતા નાસભાગ મચી ગઇ હતી તે દરમિયાન શારદાબેન અટારા ખુરશી પર બેસી રહ્યા હોવાથી તેમના ગળામાંથી રૂ.૩૦ હજારની કિંમતના સોનાના ચેનની લૂંટ ચલાવી હતી તે દરિમયાન ફલેટમાં સંબંધને મળવા આવેલા નરેન્દ્રભાઇ કુલરને ત્રણેય શખ્સોએ અટકાવી તેમની પાસે રહેલા રૂ.૫ હજારની કિંમતના મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.ત્રણેય લૂંટરા આશરે ૨૦ થી ૨૫ વર્ષની ઉમરના અને ગક શખ્સ પાતળા બાંધાનો અને બ્લુ જીન્સ પહેર્યુ હોવાનું શારદાબેને વર્ણન જણાવતા પોલીસે આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી છે.