ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર નાળામાં ખાબકી
વઢવાણ તાલુકાના રામપરા-ખોલડીયાદના રસ્તા પર ગાડીનું અચાનક ટાયર ફાટતા કાર ફંગોળાઇને નાળામાં પટકાઇ હતી. આ અકસ્માતમાં હિતેન્દ્રસિંહ અનોપસિંહ પરમાર, હાઇકમાનબા કનુભા પરમાર અને કૈલાસબા સનુભા પરમારના મોત થયા હતા. કોરડા લગ્નના પ્રસંગમાં ગયેલા મૂળ ધૃમ્મઠના વતની અને વર્ષોથી વઢવાણ ૮૦ ફૂટ રોડ પર અવધેશ્વર પાર્કમાં રહેતા પરીવારના સભ્યો જમણવાર કરીને પરત ઘરે જતા હતા. ત્યારે સર્જાયેલી કરૂણાંતીકામાં બે સગા બહેન અને એક ભાઇ મળી ત્રણ વ્યક્તિના મોત થતા પરીવાર કલ્પાંત કરી ઉઠ્યો હતો.
ધ્રાંગધ્રા તાલુકાના ધૃમ્મઠ ગામના અને વઢવાણ ૮૦ ફૂટ રોડ પર અવધેશ્વર પાર્કમાં રહેતા સહદેવસિંહ પોતાના પરિવારના સભ્યો સાથે ચૂડા તાલુકાના કોરડા ગામે લગ્નપ્રસંગમાં ગયા હતા. બપોરના સમયે લગ્નનો જમણવાર પુરો કરીને તેઓ પરત ઘરે જવા માટે રવાના થયા હતા. તેમની કાર રામપરા ખોલડીયાદના રસ્તા પરથી સડસડાટ પસાર થતી હતી. ત્યારે અચાનક જ કારનું પાછળનું ટાયર ફાટ્યુ હતું. જેથી કાર નાળામાં ખાબકી હતી.
આ બનાવમાં હિતેન્દ્રસિંહ પરમાર, કામીનીબા પરમાર અને કૈલાસબા પરમારના મોત થયા હતા. જ્યારે સહદેવસિંહ પરમાર, અનોપસિંહ પરમાર અને હર્ષવર્ધનને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાબડતોડ હોસ્પીટલે લઇ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જોરાવરનગર પીએસઆઇ બી.જે.વાઘેલા તથા રાઇટર ડાયાલાલ, રમેશભાઇ પટેલ સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી.