દારૂ કયાં મળે છે પુછી ત્રણેય શખ્સોએ પથ્થર અને કડુ મારી મોતને ઘાટ ઉતારી લાશને બાવળની ઝાડીમાં ફેંકી દીધાની કબુલાત
રૈયાધાર વિસ્તારમાં અવાવરૂ પટમાંથી ગઈકાલે રાજેશ ઉર્ફે મિથુન ઉકાભાઈ ઘટાર નામના ૪૦ વર્ષના ભીલ યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ ગાંધીગ્રામ-૨ પોલીસે ભેદ ઉકેલી લઈ કોટડાસાંગાણીમાં રહેતા સાગર કિશોરભાઈ દેવીપૂજક (૧૯) તેના બે પિતરાઈ ભાઈ ભરત બટુકભાઈ ચારોલીયા (૨૦) અને તેના ભાઈ લધા (૨૨)ની ધરપકડ કરી હતી.
દારૂનાં ડખ્ખામાં હત્યાં થયાની વિગતો બહાર આપી છે. શહેરમાં દારૂને કારણે રોજ અનેક ગુના બને છે પરંતુ પોલીસ દારૂબંધીની કડક અમલવારી કરાવી શકતી નથી. શહેરમાં રાત પડે ને અનેક દારૂડિયાઓ રસ્તાઓ પર ઉતરી પડતા હોવાની ફરિયાદો છે. પરંતુ પોલીસને તે ગમે તે કારણસર દેખાતા નથી.
શહેરમાં બનતા મોટાભાગના ગુનાઓ પાછળ દારૂનું દુષણ જ કારણભૂત હોવાનું અવાર નવાર બહાર આવતું હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરતી હોવાની છાપ-ઉપસી રહી છે. રૈયાધારમાં રાજુ ઉર્ફે મિથુનની હત્યામાં પણ દારૂનો ડખ્ખો જ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે રાજુ દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. તે દારૂની શોધમાં નિકળ્યો હતો ત્યારે રૈયાધારમાં જ તેણે આરોપી સાગરને દારૂ કયાં મળશે તેવું પુછયું હતું.
પરંતુ તેણે ખબર નથી તેવો જવાબ આપતા સંભવત: દારૂના નશામાં ચુર રાજુએ ઉશ્કેરાઈ જઈ તેને ગાળો ભાંડી હતી. જેને કારણે પછી સાગર આવેશમાં આવી કોટડા સાંગાણીથી બનેવીને ત્યાં ખરખરો કરવા આવેલા બે પિતરાઈ ભરત અને લધા સાથે મળી રાજુને ગડદા પાટુનો ઢોર માર માર્યા બાદ પથ્થર અને હાથમાં પહેરેલા કડા વડે તુટી પડયા હતા.
આ ઉપરાંત ધોકાના ઘા પણ ઝીંકયા હતા. અંતે રાજુએ દમ તોડી દેતા ત્રણેય આરોપીઓએ બનાવ સ્થળેથી તેની લાશ ૧૦૦ ફુટ ઢસડી નજીકની ઝાડીઓમાં ફેંકી ફરાર થઈ ગયા હતા. આજે પોલીસે ડિસ્કવરી પંચનામા દરમિયાન ઝાડી-ઝાખરામાંથી હત્યામાં વપરાયેલો પથ્થર પણ કબજે કર્યો હતો. આરોપી સાગર મુળ કોટડાસાંગાણીનો વતની છે અને હાલ રૈયાધારમાં રહે છે.