ક્રાઈમ બ્રાંચની ટીમે ઈનોવા કાર સહિત કુલ રૂ.૧૦.૬૮ લાખનો મુદામાલ કબજે કર્યો
શહેરમાં અલગ અલગ સ્થળે આંગડીયા પેઢીમાંથી રોકડ લઈને નિકળતા લોકોને ટારગેટ બનાવી નજર ચુકવી વાહનનાં કાચ તોડી ડેકીમાંથી રોકડ રૂપિયાની ઉઠાંતરી કરતી અમદાવાદની કુખ્યાત છારા ગેંગનાં ત્રણ શખ્સોને ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી લઈ રોકડા રૂપિયા સહિત કુલ રૂ.૧૦.૬૮ લાખનો મુદામાલ કબજે કર્યો છે.
બનાવ અંગેની વિગત મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદની નામચીન છારા ગેંગ રાજકોટમાં સક્રિય હોવાની હકિકતનાં આધારે અમદાવાદનાં છારાનગર કુબેરનગરમાં શીંગલ ચાલી મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી, માત્રારછાયા સોસાયટી, કુબેરનગર અમદાવાદમાં રહેતો ઈન્દર બંશીધર હરવાની તથા સંતોષીનગર ભાગ્યોદય સોસાયટીની પાછળ કુબેરનગરમાં રહેતો લીંબા બહાદુર પરમાર નામના ત્રણ શખ્સોને પોલીસે દબોચી લઈ રોકડા રૂ.૨,૩૫,૦૦૦, રૂ.૮ લાખની ઈનોવા કાર તથા અલગ અલગ નંબરની પ્લેટ સહિતનો મુદામાલ કબજે કર્યો છે. પોલીસની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, ઉપરોકત ત્રણેય શખ્સોએ અમદાવાદની કુખ્યાત છારા ગેંગનાં સભ્યો છે અને તેઓ રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલી આંગડીયા પેઢીની આજુબાજુ રહી ત્યાંથી રોકડ રકમ લઈ નીકળતા લોકોની રેકી કરી ફોર વ્હીલ કાર કે ટુ વ્હીલરનો પીછો કરી ચાલકની નજર ચુકવી કારનાં કાચ તોડી ડીસ્મીસ ડેકી તોડી અંદર રાખેલી રોકડ રકમ ઉઠાવી જતા હતા.
ઝડપાયેલા શખ્સોમાં મુખ્ય સુત્રધાર મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી અગાઉ અમદાવાદ, સાબરકાંઠાનાં હિંમતનગર, ગાંધીનગરમાં ચીલોડા, તાર્લોદ તથા ગાંભોઈ પોલીસમાં આશરે ૧૧ થી વધારે દારૂનાં ગુનામાં તથા રાજકોટમાં એ ડિવીઝનમાં ચોરી અને અમદાવાદનાં સરદાર નગર પોલીસમાં છેડતીનાં ગુનામાં પકડાયા છે. ઉપરોકત કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.એમ.ગઢવી, પી.એસ.આઈ ડી.પી.ઉનડકટ, હેડ કોન્સ્ટેબલ જગમાલભાઈ, સંતોષભાઈ, મયુરભાઈ, ભરતભાઈ, કોનસ્ટેબલ સંજયભાઈ, યુવરાજસિંહ, કુલદીપસિંહ, પ્રદિપસિંહ રોકાયા હતા.