જુનાગઢ માકેટીંગ યાર્ડમાં 8 કરોડના ખર્ચે બનેલા કિશાન ભવન સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી
દેશભરના ખેડૂતોના હિત અને આર્થિક સમૃદ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય સ્તરની ત્રણ નવી મલ્ટી-સ્ટેટ સોસાયટીની સ્થાપના કરી છે. જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી બની રહેશે, તેમ જુનાગઢ ખાતે ગઈકાલે કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું.
જુનાગઢના માર્કેટિંગ યાર્ડ ખાતે રૂ. 8 કરોડના ખર્ચે કિસાન ભવન સહિત પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ. 9.85 કરોડ ના ખર્ચે જિલ્લા સહકારી બેંકના નવા ભવનનું તેમજ પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિ પૂજન કરીને હજારો ખેડૂતોની સભાને સંબોધિત કરતા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, એક મલ્ટી સ્ટેટ સોસાયટી ખેડૂતો પાસેથી તેમના ઉત્પાદનો લેશે અને ખેડૂતોને નફો આપશે. ઉપરાંત ખેડૂતો ઘર બેઠા પોતાના ઉત્પાદનો દેશ તથા વિદેશની બજારોમાં વેચી શકે, નિકાસ કરી શકે તે માટે પણ રાષ્ટ્રીય સ્તરની સહકારી સોસાયટીની રચના કરી છે.
આ સોસાયટી એકસપોર્ટ હાઉસ તરીકે સેવા આપશે અને ખેડૂતોને નફો મળશે. દેશની દરેક પંચાયતમાં કો-ઓપરેટિવ સેવા સહકારી મંડળી બનાવશે. જેમાં ખેત ઉત્પાદનો ઉપરાંત ડેરી અને મત્સ્ય ઉત્પાદનોનો પણ સમાવેશ કરાશે. આ માટે બાયલોઝમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ મંડળીનું રજીસ્ટ્રેશન પંચાયત ખાતે થઈ શકશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશની આઝાદી પછી સહકારી ક્ષેત્ર માટે અલગ મંત્રાલયની માગણી ઊઠી હતી. જો કે વર્ષો સુધી તેના પર ધ્યાન નહોતું અપાયું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અલગ સહકારિતા વિભાગની રચના કરીને ખેડૂતોની વર્ષો જૂની માગણી સંતોષી છે. આ સાથે વડાપ્રધાને ખેડૂતોના કલ્યાણ માટે અનેક નિર્ણયો લીધા હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ આ સાથે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી પણ વધે છે, પેસ્ટીસાઈડનો ઉપયોગ નથી કરવો પડતો અને ઓર્ગેનિક ઉત્પાદનોના સારા ભાવ પણ મળે છે. પ્રકૃતિક ખેતી કરતા ખેડૂતોને સારા ભાવ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અભિયાન પણ શરૂ કર્યું છે. જેમાં પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટના માર્કેટિંગ, સર્ટિફિકેશન અને નકલી પ્રોડક્ટ ઘૂસીના જાય તેના માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.સહકારી માળખાને મજબૂત બનાવવા સાથે આગામી 10 વર્ષમાં ખેડૂતની આવક બે ગણી નહિ, પણ અનેકગણી કરવાના મોદી સરકારના લક્ષ્યનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
આ સાથે વિદેશી ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોને ચેતવતા તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ આવનારા દિવસોમાં ધરતીના જતનનો એક માત્ર રસ્તો છે. યુરિયા અને ડી.એ.પી.થી ખેતી કરતા રહીશું તો આવનારા 25 વર્ષોમાં આપણી ધરતી સિમેન્ટ જેવી થઈ જશે થઈ જશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ગઈકાલે રવિવારથી જ જૂનાગઢ યાર્ડમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે અલગ હરાજીની વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાથી યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલ અને તેમની ટીમના નિર્ણયને બિરદાવ્યો હતો.