શહેરના રેસકોર્સ સંકુલમાં કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ફક્ત મહિલાઓ માટેના બગીચાને ખુબજ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી હવે શહેરના ત્રણેય ઝોનમાં ફક્ત મહિલાઓ માટે ગાર્ડનનું નિર્માણ કરવાનો નિર્ણય આજે બજેટમાં જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત છેલ્લા ત્રણેક બજેટથી શહેરમાં ઝોનવાઈઝ પાર્ટી પ્લોટ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે તેને ફરી મુકવામાં આવી છે.
મહિલાઓ સ્વતંત્ર રીતે હરીફરી શકે, પોતાનો સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જાળવવા યોગા કે કસરત કરી શકે તેવા ઉદેશથી શહેરના ત્રણેય ઝોનમાં ફકત મહિલા માટે ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે. આ ગાર્ડનમાં હિચકા, લપસીયા અને કસરતના સાધનો મુકાશે તથા જોગર્સ પાથ બનાવવામાં આવશે. આ માટે બજેટમાં 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ પાર્ટી પ્લોટની સુવિધા પરવડી શકે તેવા નજીવા દરથી ઉપલબ્ધ કરાવવા સ્ટેન્ડીંગ કમીટીએ ત્રણેય ઝોનમાં 1-1 નવો પાર્ટી પ્લોટ વિકસાવવાનું આયોજન કર્યું છે અને આ માટે બજેટમાં રૂા.1.5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી બજેટમાં પાર્ટી પ્લોટની જાહેરાત કરવામાં આવે છે. પરંતુ પાર્ટીપ્લોટ બનતા નથી આ વખતે પણ બજેટમાં આ યોજના ફરી મુકવામાં આવી છે.