અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બન્યું:ગઇ કાલ અને આજે નવ કેસો નોંધાયા: પાટણ જિલ્લામાં સૌ પ્રથમ કેમ સામે આવ્યો
દેશભરને હચમચાવનારા કોરોના વાયરસનું પ્રમાણ ગુજરાતમાં ધીમે ધીમે વધી રહ્યું છે. ગત ગુરુવારે રામનવમીના દિવસે રાજયમાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો ત્યાં ગઇકાલે સાત જયારે આજે ત્રણ એમ કુલ નવ દસ નવા કેસો નોંધાયા છે. જેથી, રાજયમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સદીની નજીક પહોંચી જવા પામ્યો છે. હાલ રાજયમાં કોરોના્રગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૯૮એ થઇ ગઇ છે. જયારે ગઇકાલે ગોધરાના એક કોરોનાગ્રસ્ત વૃઘ્ધ દર્દીનું મૃત્યુ થતા રાજયમાં કોરોનાથી મૃત્યાંક આંક આઠે પહોચી જવા પામ્યો છે.
રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપેલી વિગતો મુજબ ગઇકાલે અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના સાત નવા કેસો સામે આવ્યા છે. જેમાં પાંચ કાલુપુર વિસ્તારના જયારે બે બાપુનગર વિસ્તારના છે. જયારે આજે સવારે સુધીમાં અમદાવાદમાંથી બે અને પાટણ જિલ્લામાંથી એક કેસ કોરોનાનો નોંધાવા પામ્યો છે. ગઇકાલે પંચમહાલના ગોધરામાં કોરાનાગ્રસ્ત દર્દી એવા ૭૮ વર્ષીય વૃઘ્ધનું મૃત્યુ થવા પામ્યું છે. આ દર્દીને કોરોના ઉપરાંત હાયપર ટેન્શન અને કીડનીએ લગતી બિમારી પણ હતી આ મૃત્યુ બાદ રાજયમાં કોરોનાથી મૃત્યાંક આઠે પહોંચી જવા પામ્યો છે. તેમ રવિએ ઉમેર્યુ હતું.
કોરોનાના દર્દીઓની જિલ્લા પ્રમાણે વિગતો જોઇએ તો અમદાવાદમાં ૪૧, સુરતમાં ૧ર, ગાંધીનગરમાં ૧૧, રાજકોટમાં ૧૦, વડોદરામાં ૯, ભાવનગરમાં ૭, પોરબંદરમાં ૩, ગીર સોમનાથમાં ર, જયારે કચ્છ, મહેસાણા, પંચમહાલ અને હવે પાટણમાં એક એક કેસ નોંધાયો છે. જયારે જે આઠ દર્દીઓના મૃત્યુ થયા છે તેમાં અમદાવાદના ત્રણ, ભાવનગરમાં બે, જયારે સુરત, વડોદરા અને પંચમહાલમાં એક એક દર્દીના મૃત્યુ થયા છે. તેમ જણાવીને જયંતિ રવિએ ઉમેર્યુ હતું કે ગુજરાતમાં અત્યાર સુધીમૉ ૧૯૪૭ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ૯૮ પોઝીટીવ અને ૧૮૪૭ સેમ્પલો નેગેટીવ આવ્યા છે.