બાળકી રડતી હોવાથી ઉંટવૈદુ જાણતા હરમડીયાના માજી પાસે ‘ટાઢો’ દેવાની સારવાર કરાવતા બાળકી ગંભીર
૨૧મી સદીના વિજ્ઞાન અને કમ્પ્યુટર યુગમાં હજી અંધશ્રધ્ધામાં માનતા કેટલીક વ્યક્તિઓ વિના કારણે આફત નોતરતા હોય તેમ ત્રણ માસની બાળક રડતી હોવાથી તબીબી સારવારના બદલે હરમડીયા ગામે ઉંટવૈદુ જાણતા માજી પાસે ધગધગતા સળીયાના ડામ દેવડાવતા ગંભીર રીતે દાઝેલી બાળકીને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામકંડોરણા તાલુકાના સુકી સાજડીયાળી ગામની વિલાશબેન નામની યુવતીની ત્રણ માસની પુત્રી ધનુ પોતાના ઘરે રડતી હોવાથી હરમડીયા ગામના કાળીમા પાસે ‘ટાઢો’ દેવાની સારવાર કરાવતા ગંભીર રીતે દાઝેલી બાળકીને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. વિલાશબેનના એકાદ વર્ષ પહેલાં બરડીયા ગામના દિનેશ પરમાર સાથે લગ્ન થયા બાદ તેણીને પ્રથમ ડીલીવરી માટે સુકી સાજડીયાળી ગામે તેડી આવ્યા હતા. ત્રણેક માસ પહેલાં વિલાશબેને બાળકીને જન્મ આપ્યો હતો. જન્મ બાદ રડતી હોવાથી જામકંડોરણા અને ધોરાજી તબીબ પાસે સારવાર કરાવી હતી પણ સારૂ ન થતા હરમડીયા ગામના કાળીમા ઘગઘગતા સળીયાથી પેટ પર ડામ દેવડાવવાથી સારૂ થતું હોવાથી ત્રણ માસની બાળકીને કાળીમા પાસે સળીયાથી પેટ પર ડામ દેવડાવતા ગંભીર રીતે દાઝતા બાળકીને ગોંડલ બાદ અહીંની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.