અમદાવાદની જેલર સ્કવોડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગમાં પ્રતિબંધીત વસ્તુઓ પકડાય
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ અનેક સબ જેલો વારંવાર વિવાદમાં રહેલી છે તેમજ જેલમાંથી અવાર-નવાર ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત મોબાઈલ, સીમકાર્ડ જેવી ચીજવસ્તુઓ મળી આવવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ જેલર સ્કોર્વડ અને સ્થાનિક ટીમે સુરેન્દ્રનગરની સબ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથધરતાં બેરેકમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી હતી જે અંગે શહેરના એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.
અમદાવાદ જેલર વિભાગના સ્કોર્વડે સુરેન્દ્રનગર સબ જેલમાં સ્થાનિક જેલર સહિતની ટીમને સાથે રાખી સરપ્રાઈઝ ચેકીંગ હાથધરવમાં આવ્યું હતું. જેમાં બેરેક નં.૩ માં ચેકીંગ કરતાં શૌચાલય સામે આવેલ જુના બંધ દરવાજાની નીચે પાણી જવા માટેના બખોરામાં ખાડો કરી પ્લાસ્ટીકમાં વિટોળી સંતાડેલ રાખેલ બે મોબાઈલ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતાં. આ ઉપરાંત બેરેક નં.૩માં ખાડાની બેરેકમાંથી પાણીના ટાંકામાં ફેંકી દીધેલી હાલતમાં સીમકાર્ડ બેટરી સાથે એક મોબાઈલ બીનવારસી હાલતમાં મળી આવ્યો હતો.
જે અંગે બેરેક નં.૩ના કાચા અને પાકા કેદીઓની પુછપરછ કરતાં કોઈ જ માહિતી આપી નહોતી જ્યારે બે મોબાઈલો ચાલુ હાલતમાં જ્યારે અન્ય એક મોબાઈલ બંધ હાલતમાં સીમકાર્ડ સાથે મળી આવ્યાં હતાં આમ બેરેક નં.૩માંથી કુલ ૩ મોબાઈલ બીનવારસી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.