• વાપીથી ડ્રગ્સનો જથ્થો મેળવી અજમેર ગયાં’તા : પરત ફરતા પોલીસે અમીરગઢ ચેક પોસ્ટેથી ઝડપી લઇ તપાસ આરંભી

લોકસભા ચૂંટણીના પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન જામનગર પાસિંગની એક ક્રેટા કારમાંથી 1 કિલોથી વધુ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી છે. રૂ.1 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે.

ત્રણેય શખ્સોએ ડ્રગ્સનો આ જથ્થો વાપીની મહારાષ્ટ્ર બોર્ડર પરથી મેળવ્યા બાદ અજમેર ગયા હતા અને અજમેરથી પરત ગુજરાત આવી રહ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા. ડ્રગ્સનો આ જથ્થો કોને આપવાનો હતો તેને લઈ પોલીસ દ્વાર હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.

લોકસભા ચૂંટણીના પગલે બનાસકાંઠા જિલ્લાની અન્ય રાજ્યને જોડતી ચેકપોસ્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બે કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચાર હંગામી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની એક ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી 1047 ગ્રામ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

જામનગર પાસિંગની ક્રેટા કારમાંથી ડ્રગ્સ સાથે જે ત્રણ શખ્સો ઝડપાયેલા છે તેઓના નામ ઈસરાકભાઈ બ્લોચ, સોહેલ સંધી અને અસલમ અબ્દુલસત્તાર દરજાદા છે. જેઓ તમામ જામનગર શહેરના રહેવાસી છે. પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલે જણાવ્યું હતું કે, અમીરગઢ બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી ત્રણ શખ્સો 1 કરોડથી વધુ કિંમતના મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ સાથે ઝડપાયા છે. ત્રણેય શખ્સોની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ આ જથ્થો વાપી બોર્ડર પરથી મુંબઈના કોઈ શખ્સ પાસેથી લીધું હતું.

ત્યારબાદ તેઓ કારમાં અજમેર ગયા હતા. અજમેરથી પરત ગુજરાત આવી રહ્યા હતા ત્યારે અમીરગઢ ચેકપોસ્ટ પર ઝડપાઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.