- રમેશ ભરવાડ સહિત ત્રણ શખ્સો ધોકા – પાઇપ વડે તૂટી પડ્યા : બી ડિવિઝન પોલીસમાં નોંધાતો ગુનો
શહેરમાં નજીવી બાબતે હુમલા અને મારામારી સહિતના બનાવો સતત પ્રકાશમાં આવતા રહેતા હોય છે ત્યારે માર્કેટીંગ યાર્ડમાં વધુ એક આવો બનાવ સામે આવ્યો છે. જ્યાં હોલેસેલ ભાવે શાકભાજી ખરીદ કર્યા બાદ વેપારીએ રૂ. 1.35 લાખ માંગતા રમેશ ભરવાડ સહિતના શખ્સોએ ધોકા પાઇપ વડે હુમલો કરતા વેપારી ઘવાયા હતા. મામલામાં બી ડિવિઝન પોલીસે કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના કોઠારીયા રોડ પર મેહુલનગરમાં રહેતા અને માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા જગદીશભાઈ પ્રભુદાસભાઈ બગડાઈએ હોસ્પિટલના બિછાનેથી નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રે આશરે નવેક વાગ્યે તેઓ પેઢીએ શાકભાજીનો વેપાર કરતા હતા દરમિયાન અગાઉ એકાદ મહીના પહેલા રમેશ ભરવાડને જથ્થાબંધ શાકભાજીનું વેચાણ કર્યું હતું. જેના પેટે રૂ. 1.35 લાખ લેવાના બાકી હોય રમેશ ભરવાડ ત્યાંથી નીકળતા વેપારીએ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે તમારા રૂપિયા નહી રાખી લઈએ તેમ કહી રમેશ ભરવાડે ગાળો આપી હતી. વેપારીએ ગાળ બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા રમેશ ભરવાડ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો. જે બાદ રમેશ ત્યાંથી નીકળી ગયો હતો અને થોડીવારમાં અન્ય બે અજાણ્યા શખ્સોને લઈને ફરીવાર ધસી આવ્યો હતો. કોઈ પણ વાતચીત કર્યા વિના જ ત્રણેય પૈકી એક શખ્સે પોતાની પાસે રહેલ લોખંડના પાઇપ વડે વેપારીને માથાના ભાગે ઘા મારી દીધો હતો. બીજા શખ્સે પાઇપ વડે વેપારીને ફટકાર્યા હતા. દરમિયાન આસપાસના લોકો એકત્રિત થઇ જતાં ત્રણેય હુમલાખોર સ્થળ પરથી નાસી ગયાં હતા.
જે બાદ વેપારીએ પોતાના પુત્રને ફોન કરતા પુત્ર ઘટનાસ્થળે દોડી ગયો હતો અને એમ્બયુલન્સ મારફત પિતાને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયો હતો.