બે પ્લોટ સામે પૈસાની માંગણી કરી પુત્રને જાનથી મારી નાખવાની દીધી ધમકી
ઉપલેટામાં મરચા બજારમાં રહેતા અને કાપડનો વેપાર કરતા પ્રૌઢ પર હાડફોળી ગામના શખ્સ સહિત ત્રણ શખ્સોએ વેપારીના બે પ્લોટ સામેપૈસાની માંગણી કરી પૂત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી વેપારી પર હુમલો કર્યાની ઘટના ઉપલેટા પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મરચાબજાર ડગલી ટાવર પાસે રહેતા મૂનાફહાજી સુલેમાનભાઈ ધોરાજીવાલા નામના ૫૫ વર્ષના પ્રૌઢ વેપારી પર હાડફોળી ગામના મામદ અલી ગામેતી, ઉપલેટાનો જહીર જાવીદ ધરાર અને ચીખલીયા રીઝવાન આમદ સંધીએ છરી ધારીયા વડે હુમલો કરતા વેપારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યામુજબ વેપારી મુનાફભાઈ ધોરાજીવાલા પાસે ફૂલારા બગીચા પાસે અને સ્ટાર રેસીડેન્સી પાસે બે પ્લોટ હોય જે બાબતે હાડફોળીના મામદ ગામેતીએ પૈસા પડાવવા માટે વેપારી પર પોતાના સાગરીતો સાથે મળીને હુમલો કરી પૈસાની માંગણી કર્યાનું મૂનાફભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતુ પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.