- પરફ્યુમ ટ્રેડિંગના ધંધાર્થીનું પાકીટ સેરવી લેનાર રીક્ષા ગેંગની તપાસ કરતા દસેક ગુનાનો ભેદ ઉકેલાયો
શહેરના ગોંડલ રોડ પર આવેલી માલવિયા કોલજ નજીકથી પરફ્યુમ ટ્રેડિંગના ધંધાર્થીનું પાકીટ સેરવી જનાર રીક્ષા ગેંગની તપાસ કરતા ભક્તિનગર પોલીસને મોટી સફળતા મળી હતી. ફરિયાદીએ રીક્ષા ગેંગ દ્વારા જે રિક્ષામાં બેસાડી ચોરીને અંજામ આપ્યો હતો તે રિક્ષામાં બાજ પક્ષી લગાવવામાં આવેલ છે તેવી હકીકત આપતાં ભક્તિનગર પોલીસે સીસીટીવી અને હ્યુમન રિસોર્સથી તપાસ શરૂ કરતા નાગરિક બેંક ચોક નજીકથી વર્ણનવાળી રીક્ષા સાથે ત્રણ શખ્સો ઝડપાયા હતા. જે ત્રણેય શખ્સોની પૂછપરછ કરતા પોતે એક કે બે નહિ પણ દસેક ચોરીને અંજામ આપી ચુક્યાની કબૂલાત આપી હતી.
ઓમ તિરુપતિ બાલાજી સોસાયટીમાં રહેતા અને રૂમ સ્પ્રે પરફ્યુમનું ટ્રેડિંગનું કામ કરતા નયન રામાણીએ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. નયન રામાણીએ જણાવ્યું હતું કે, ગત તા.18ના સવારે પોતે કામ સબબ માલવિયા કોલેજ ફાટક નજીક ગયો અને કામ પતાવી પોતાની ઘરે જવા રિક્ષામાં બેઠો હતો. રિક્ષામાં અગાઉથી બે શખ્સ મુસાફરના સ્વાંગમાં બેઠા હતા. રિક્ષા અટિકા ફાટક તરફ ચાલતી હતી ત્યારે એક શખ્સે ઊલટી ઉબકાના નાટક કરી રિક્ષાની બહાર મોઢું કાઢતો હતો અને ધક્કામુક્કી કરતો હતો. નયને રિક્ષા ઊભી રાખવાનું કહ્યું હતું, પરંતુ ચાલકે તે વાત ધ્યાને લીધી નહોતી. થોડીવાર બાદ રિક્ષા ઊભી રાખી દેવાતા નયન નીચે ઉતરતા જ ચાલકે રિક્ષા હંકારી મૂકી હતી. શંકા જતાં નયને પેન્ટના પાછળના ખિસ્સામાં રાખેલા પર્સની તપાસ કરતાં પર્સ ગાયબ હતું. રિક્ષા ગેંગે પર્સ સેરવી લીધાનું સ્પષ્ટ થતાં નયને દેકારો કરી દોટ મૂકી હતી, પરંતુ ચાલકે રિક્ષા ભગાવી દેતા રિક્ષાના નંબર નોંધી શક્યો નહોતો. પર્સમાં રૂ.7500, લાઇસન્સ, આધારકાર્ડ સહિતના પુરાવા હતા.
આ ઘટના સંદર્ભે ભક્તિનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન ફરિયાદીએ એવી હકીકત આપી હતી કે, જે રિક્ષામાં બેસાડી ચીરીને અંજામ આપવામાં આવ્યો છે તે રીક્ષાના આગળના ભાગે બાજ પક્ષી લગાવવામાં આવેલ છે. જેથી ભક્તિનગર પોલીસ મથકના પી માઈ મયુરધ્વજસિંહ સરવૈયાની સૂચનાથી બનાવ સ્થળ નજીક ફરતી બાજ પક્ષી લગાવેલ રીક્ષાઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન સીસીટીવી કેમેરા અને હ્યુમન રિસોર્સના આધારે વર્ણન મુજબની એક રીક્ષા નાગરિક બેંકથી ઢેબર રોડ પર થઇ અટીકા ફાટક જતી હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે ભક્તિનગર પોલીસની ટીમ દોડી જતાં રીક્ષા સાથે ત્રણ શખ્સો ઝડપાયા હતા. જેમને અટકાયતમાં લઇ ભક્તિનગર પોલીસ મથકમાં લાવી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
ભક્તિનગર પોલીસે આગવી ઢબે પૂછપરછ શરૂ કરતા ત્રણેય ગઠીયાઓ ભાંગી પડતા તેમણે જ પરફ્યુમ ટ્રેડરની નજર ચૂકવી ચોરીને અંજામ આપ્યાનો ખુલાસો કર્યો હતો પણ ફક્ત એક કે બે નહિ પણ છેલ્લા એકાદ માસમાં રાજકોટ શહેર, ચોટીલા, લોઠડાં, મેટોડા, પડધરી, મોરબીમાં દસેક ચોરીને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.
પોલીસે મામલામાં માંડાડુંગરના ભીમનગરમાં રહેતા સંજય મગન બાંભણીયા(ઉ.વ.35), કરણ કિશોર સાથળીયા(ઉ.વ.20 રહે. માર્કેટીંગ યાર્ડ નજીક), અર્જુન મનોજ સોલંકી(ઉ.વ.19) વાળાની ધરપકડ કરી રોકડ રૂ. 7500, જીજે-36-યુ-5991 રીક્ષા સહીત કુલ રૂ. 92,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.