બેગમપુરા વિસ્તારમાં રહેતા પતિ-પત્ની અને સાસુએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલે ખસેડાયા
બેગમપુરા વિસ્તારમાં રહેતા પરિવારના ત્રણ સભ્યોએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. પરિવારના ત્રણેય સભ્યોએ ઝેરી દવા પી લેતા આસપાસમાં રહેતા લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ત્રણેયને સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યાં હતાં. દુષ્કર્મનો આરોપ લાગતાં આ પગલું ભરી લીધું હોવાની ચર્ચા ચાલી રહી છે.
પતિ-પત્ની અને સાસુનો આપઘાતનો પ્રયાસ
બેગમપુરા વિસ્તારમાં રહેતા હિતેશ દેવચંદ પટેલ(ઉ.વ.આ.42)નાએ પત્ની બિનાબેન (ઉ.વ.આ.30) અને મંજૂબેન બાબુ પટેલ (ઉ.વ.આ.50)નાએ બપોરના સાડા ત્રણ વાગ્યા આસપાસ ઝેરી દવા પી લીધી હતી. જે અંગેની જાણ પાડોશીઓને થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેમાં કતારગામ અને માનદરવાજા લોકેશનની 108ની ગાડીઓએ તાત્કાલિક ત્રણેયને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. હાલ તેમની સારવાર તબીબો કરી રહ્યાં છે. આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.મહત્વપૂર્ણ છે કે, રિક્ષા ચલાવતાં હિતેશ પર દુષ્કર્મનો આરોપ લાગ્યા બાદ આ પગલું ભરી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.