કાંઠે બાળકોના કપડા મળી આવતા ડેમમાં ડહોળતા માત્ર મૃતદેહ જ હાથ આવ્યા: પરિવારમાં આક્રંદ
લોધીકાના પાળ ગામના ચેકડેમમાં બપોરે ન્હાવા પડેલા બે ભાઇ સહીત ત્રણ માસુમ બાળકો ડૂબી જવાથી મોત નિપજતાં પરિવાર સહિત ગામમાં કરૂણાંતિ છવાઇ છે. બાળકોના મામા ડેમ પાસેથી પસાર થયા અને બાળકોના કપડા કાંઠે જોઇ જતાં કાંઇક અજુગતુ થયાની શંકાએ તેમણે ડેમમાં કુદકો લગાવી તપાસ કરતા ત્રણેય બાળકોના મૃતદેહ જ હાથ આવ્યા હતા.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધીકા તાલુકાના પાળ ગામે રહેતા દિલીપભાઇ નાનજીભાઇ વસોયાની વાડીનો કુવો ઊંડો ઉતારવાનો હોવાથી રાજસ્થાનથી નાયક પરિવાર ત્રણ દિવસથી તેમનીવાડીએ રોકાવા આવ્યા હતા. ગઇકાલે બપોરે નાયક પરિવારના તમામ સભ્યો સાથે જમ્યા હતા અને ફરીથી પોતાના કામ પર વળીયા હતા. તે દરમિયાન તેમના બાળકો મદા ભુંડારામ નાયક (ઉ.વ.૧૦) તેનો નાનો ભાઇ નારણ નાયક (ઉ.વ.૮) અને તેના મામનો પુત્ર પ્રવીણ નાથુરામ નાયક (ઉ.વ.૮) વાડીની પાસે આવેલા ચેક ડેમમાં ન્હાવા ગયા હતા. ગરમીના માહોલમાં બાળકોએ ડેમના કાંઠે કપડા રાખી પાણીની મોજ મજા માળવા ડેમમાં ઝંપલાવ્યું હતું.
ત્યારબાદ મહા અને નારણના મામા વાડીએથી મંદિર જવા નિકળ્યા તે દરમિયાન બાળકોના કપડા ડેમ કાંઠે જોઇ જતા બાળકોની શોધખોળ શરુ કરી હતી, ત્યારે કેટલાક લોકોએ બાળકો ડેમમાં ન્હાવા પડયા હોવાની વાત કરતા કાંઇક અજુગતુ થયું હોવાની શંકાએ મામાએ વાડીએ તપાસ કરતા બાળકો વાડીએ પણ નહોવાનું જાણવા મળ્યું હતું.
બાળકો ચેકડેમમાં ન્હાવા ગયા હોય અને ડુબી ગયાની ભીતી થતાં જ મામાએ ચેકડેમમાં ઝંપલાવી ડહોળતા ત્રણેય બાળકોના મૃતદેહ હાથ આવતા પરપ્રાંતિય પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બનાવની જાણ થતાં લોધીકા પોલીસ મથકના પીએસઆઇ ગઢવી અને એએસઆઇ ગજુભા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમીક તપાસમાં અધિકારીએ જણાવ્યું હતું કે, મદા ભુંડારામ નાયક અને નારણ નાયક બે સગાભાઇ હતા તે રાજસ્થાનના પાલી જીલ્લાના રાયપુરના વતની હતા તહેવાર પર બાળકોની માતાને તેના પતિ ભુંડારામ સાથે બોલાચાલી થતા બાળકોને લઇ મહિલા તેના ભાઇ નાથુરામ નાયક સાથે રહેવા આવી હતી. ત્યારે એક સાથે ત્રણ ત્રણ માસુમ બાળકો ડુબી જતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.