ધોરાજી નજીક ગઇકાલે રાત્રે પોરબંદર-ભાવનગર ટ્રેનની અડફેટે એક દીપડી અને બે બચ્ચાના કરૂણ મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. આરએફઓ સહિતના રેલવેના અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં દિપડાની વસતીમાં વધારો થતા શહેરી વિસ્તાર આસપાસ દિપડા જોવા મળી રહ્યા છે.
પોરબંદર-ભાવનગર ટ્રેનની ટક્કરે ચડતા દીપડી અને બે બચ્ચાના મોતથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી
ધોરાજી-ઉપલેટા રોડ પર આવેલા રેલવે ટ્રેક પર ભાદર પુલ પાસે ગઇકાલે રાત્રે 8 વાગ્યા બાદ ત્રણ દિપડાનું ટ્રેન હડફેટે મોત નિપજ્યા હતા. એક નર દિપડીનું કપાય જવાથી મોત થયેલ છે અને બે બચ્ચા પણ ટ્રેન હડફેટથી મોત થયા છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ શિકારની શોધમાં દિપડા પરિવાર સાથે આ વિસ્તારમાં આવે છે. ટ્રેન સાથે અકસ્માત થયેલ આ ઘટનાની જાણ થતા આરએફઓ નિહારીકાબેન પંડ્યા, ફોરેસ્ટર સબનમબેન બ્લોચ, નરેશભાઇ સુણા, ઘનશ્યામભાઇ મેર, યજ્ઞભાઇ રેવર ટેકર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ઘટનાનું પંચનામું કરી ત્રણેય દિપડાના ડેડ બોડી પી.એમ. માટે ખસેડાય છે. પીએમ બાદ દિપડાઓ અધિકારીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાશે. આ ઘટનાની જાણ થતા લોકો જોવા ઉમટી પડેલ હતા. અકસ્માતમાં ત્રણ દિપડાઓના મોતથી જીવદયાપ્રેમીમાં ઘેરા શોકની લાગણીઓ વ્યાપી હતી. આ બનાવ અંગે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ દોડી આવી તપાસ હાથ ધરેલ હતી.આ ઘટનામાં મહિલા આર.એફ.ઓ. નિહારીકાબેન પંડ્યા પ્રેગ્નેન્ટ હોવા છતા આખી રાત જાગી કાર્યવાહી હાથધરી હતી.