કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે ભવાની ગોલા દુકાન સામે મેદાનમાં બેઠેલા કારખાનેદારને ધમકી આપી છરીની અણીએ કારની લૂંટ ચલાવ્યાના બનાવના પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સોને દબોચી લઈ મુખ્ય સુત્રધારની શોધખોળ આદરી છે.
આ અંગેની વિગત મુજબ આનંદનગર મેઇન રોડ પરના મધુરમપાર્કમાં રહેતા અને અટિકા ફાટક પાસે ઘડિયાળના કેસ બનાવવાનું કારખાનું ધરાવતા રાહુલભાઇ સુરેશભાઇ રામાણી (ઉ.વ.૨૮) અને તેના ત્રણ મિત્રો રવિવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામે ભવાની ગોલા દુકાનની સામે મેદાનમાં પોતાની હોન્ડા સિટી કાર પાર્ક કરી નજીકમાં તેના મિત્રો સાથે બેઠા હતા.
થોડીવાર બાદ રાહુલભાઇ અને તેમના મિત્રો વિખૂટા પડ્યા હતા અને રાહુલભાઇ જવા માટે પોતાની કારમાં બેઠા હતા તે સાથે જ બે શખ્સ ધસી આવ્યા હતા. એક શખ્સ રાહુલભાઇની બાજુમાં બેસી ગયો હતો અને ગળે છરી રાખી દીધી હતી, થોડીવાર બાદ બીજો શખ્સ કારમાં ઘૂસ્યો હતો અને ‘તમારે કોઇ વ્યસન છે કે નહીં’ તેમ કહ્યું હતું. રાહુલભાઇએ વ્યસન નહીં હોવાનું કહેતા વ્યસન તો હોવું જોઇએ તેમ કહી કારખાનેદારને ધમકાવવા લાગ્યા હતા.
ગભરાઇ ગયેલા કારખાનેદાર રાહુલભાઇ કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને થોડે દૂર જઇ તેમના મિત્રોને ફોન કરવા લાગ્યા હતા, ફોન પૂરો કરી રાહુલભાઇ પરત પોતાની કાર તરફ ગયા હતા તો બંને શખ્સ કાર લઇને જતા નજરે પડ્યા હતા, કાર લઇને ભાગેલા બેની સાથે બાઇકમાં બેઠેલા તેમના બંને મિત્રો પણ રવાના થઇ ગયા હતા. લૂંટની ઘટના અંગે રાહુલભાઇએ ફરિયાદ નોંધાવતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવી, પીએસઆઇ ધાખડા અને હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ સહિતનો સ્ટાફ હરકતમાં આવ્યો હતો.
લૂંટારુઓ જે બાઇકમાં બેઠા હતા તે બાઇકના નંબર સીસીટીવી ફૂટેજના આધારે મેળવી લૂંટારુઓની ઓળખ સ્પષ્ટ કરી હતી અને લૂંટારુઓ જામનગર રોડ પર એરપોર્ટની દીવાલ પાસે હોવાની હકીકત મળતાં ઉપરોક્ત સ્ટાફ દોડી ગયો હતો અને જામનગર રોડ પર રહેતા યાસીન યુસુફ સાંઘ (ઉ.વ.૧૯), ફિરોજ હબીબ પઠાણ (ઉ.વ.૨૧) તથા ભોમેશ્વરના કબીર સિકંદર ચૌહાણ (ઉ.વ.૨૦)ને દબોચી લીધા હતા. પોલીસે ત્રિપુટી પાસેથી ત્રણ મોબાઇલ અને એક એક્ટિવા તથા એક બાઇક કબજે કર્યા હતા. આગળની તપાસ માલવીયાનગર પોલીસને સોંપવામાં આવતા પોલીસે લૂંટ ચલાવવામાં આવેલી કાર અને નાસી ગયેલા સોયબની શોધખોળ આદરી છે.