પંજાબથી પેટીયું રળવા ગોહિલવાડ આવેલા મજૂરોને કાળ ભેટ્યો
થ્રેશર ડ્રાયવર અને બંને મજૂરો મૂળ ભટીંડાના વતની : ઘઉં કાપવા જતાં’તા અને અકસ્માત સર્જાયો
ભાવનગરના ઘોઘા તાલુકાના લાખાણકા પુલ પરથી ઘઉં કટિંગ કરતુ થ્રેશર મશીન નીચે ખાબક્યુ હતું. જેમા થ્રેશર મશીનના ડ્રાયવર અને અન્ય બે મજૂરોના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે, ત્રણેય મૃતકો પંજાબથી પેટીયું રળવા ગોહિલવાડ આવ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના ઘોઘા તાલુકાના લાખાણકા પુલ પરથી ઘઉં કટિંગ કરતુ થ્રેશર મશીન નીચે ખાબક્યુ હતું. લાખણકા ગામ નજીક પુલ પરથી મશીન નીચે ખાબક્યુ હતુ. જેમા અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જાતા થ્રેશર મશીનના ડ્રાયવર અને અન્ય બે મજૂરો નીચે દબાયા હતા. સ્થાનિક લોકો દ્વારા નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમા ત્રણેય લોકોને ગંભીર ઈજા પહોંચ્યા બાદ મોત નીપજ્યા હતા.
બનાવની જાણ થતા વરતેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના ઘોઘાના લાખણકા ગામના ડેમ સામે જર્જરિત પુલ પરથી ઘઉંનું થ્રેશર પાણીમાં પડતા પંજાબના ત્રણ સરદારજી યુવાનોના ઘટના સ્થળે મોત થયા છે. હાલ ભાવનગર જિલ્લામાં પણ રવિ સિઝનના રોકડીયા પાક ઘઉંના કટીંગની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષે આ સિઝન શરૂ થાય એ પહેલા જ હરિયાણા, પંજાબ સહિતના પ્રાંતથી અદ્યતન થ્રેશર (ઘઉં કાઢવા માટેનુ મશીન) સાથે મોટી સંખ્યામાં પરપ્રાંતીયો પેટીયું રળવા ગોહિલવાડમાં પડાવ નાંખે છે.
એક થી બે મહિના સુધી ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકાના ગામડાઓમાં ફરી ઘઉં કાઢી આપવાનું કામ રાખી રોજીરોટી રળે છે. ત્યારે પંજાબના ભટીંડાથી તાજેતરમાં થ્રેશર મશીન સાથે આવેલા કાફલાને કાળ ભેંટ્યો છે. જીજે-04-સીએફ-0852 નંબરના થ્રેશર સાથે ત્રણ સરદારજી યુવાનો વરતેજ-બુધેલ હાઈવે-રીંગરોડપરથી પસાર થઈ રહ્યા હતા, તે વેળાએ લાખણકા ડેમ સામે આવેલા જર્જરિત પુલ પરથી થ્રેશર મશીન સાથે ત્રણેય યુવાનો પાણીમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ બનાવની જાણ વરતેજ પોલીસ તથા ફાયરબ્રિગેડના જવાનોને થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટનામાં આધારભૂત સૂત્રોના જણાવ્યાં અનુસાર ત્રણેય સરદારજી યુવાનોના મોત થયા છે. આ હતભાગીઓ વિશે કોઈ માહિતી ન હોય આથી પોલીસે મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. ઘટના સ્થળે પાણીમાં હજુ કોઈ વ્યક્તિ ફસાયેલુ છે કે કેમ એ અંગે રેસ્કયુ ઓપરેશનમાં રાત્રીનો અંધકાર બાધારૂપ હોય આથી ફાયરબ્રિગેડના જવાનોએ રાત્રે કામગીરી અટકાવી છે.
થ્રેસર મશીન પુલ પરથી ખાબકતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જેમાં મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. મૃતકોની બાદલસીંગ મેજરસીંગ માજલીશેખ મૂળ ભટીંડા – પંજાબ, જસપાલસીંગ રાજારામ વાલ્મિકી મૂળ ભટીંડા – પંજાબ, મંગાસીંગ સેવકસીંગ રહે મજલી શિખાવાળી ધર્મશાળા બંદબાલ ખુદકોટ, પંજાબ તરીકે ઓળખ કરવામાં આવી છે.
પુલની ગોળાઈએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ત્રણ યુવાનો મોતના મુખમાં ધકેલાઈ ગયાં
પ્રાપ્ત વિગત અનુસાર બે મજૂરોને લઈને ઘઉં કાપવા જઈ રહેલા થ્રેસરના ડ્રાયવરે લાખણકા ગામના પુલની ગોળાઈએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા થ્રેસર પુલ પરથી 20 ફૂટ નીચે પટકાયું હતું. જેમાં ત્રણેય લોકો થ્રેસરની નીચે દબાઈ જતાં ગંભીર ઈજાઓ પહોંચ્યા બાદ મોતને ભેંટ્યા હતા.