મોડીરાતે છ બાઇક પર આવેલા ૧૮ થી ૨૦ શખ્સોએ તલવાર, છરી, ધોકા અને પાઇપથી હુમલો કરી ત્રણેયની લોથ ઢાળી ફરાર: હત્યાકાંડના કારણે હોસ્પિટલે ટોળે ટોળા એકઠાં થયા
મોરબીના લીલાપર રોડ પર બોરીયા પાટી વિસ્તારમાં મોડીરાતે પિતા-પુત્ર સહિત ત્રણ પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી કરપીણ હત્યા થતાં સનસનાટી સાથે તંગદીલી સર્જાય છે. જમીનના વિવાદના કારણે સાત જેટલા બાઇક પર આવેલા ૧૮ થી ૨૦ જેટલા શખ્સો ખૂની ખેલ ખેલી ફરાર થતા પોલીસે હત્યાકાંડ સર્જી ફરાર થયેલા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
એક જ પરિવારની ત્રણ વ્યક્તિની હત્યાથી મુસ્લિમ સમાજમાં માતમ સાથે રોષે ભરાયા છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સોને તાકીદે ઝડપી લેવાની માગ સાથે મોરબી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં એકઠાં થતા તંગદીલી સર્જાતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હત્યાકાંડની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના મકરાણીવાસ રામઘાટ પાસે રહેતા રિક્ષા ચાલક વસીમ મહેબુબભાઇ પઠાણે વજેપરના ભરત નારણ ડાભી, જયંતી નારણ ડાભી, અશ્ર્વીન જીવરાજ, ભરત જીવરાજ, ધનજી મનસુખ, કાનજી મનસુખ, શિવા રામજી, મનસુખ રામજી, જીવરાજ રામજી, પ્રવિણ શિવા, કિશોર શિવા અને સંજય નારણ ડાભી નામના શખ્સોએ તલવાર, છરી, ધારિયા, પાઇપ અને ધોકાથી હુમલો કરી દિલાવરખાન પઠાણ (ઉ.વ.૫૦), તેના પુત્ર મોમીનખાન દિલાવરખાન પઠાણ (ઉ.વ.૩૫) અને અફઝલખાન ઇકબાલખાન પઠાણ (ઉ.વ.૨૨)ની હત્યા કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.દિલાવરખાન પઠાણની વજેપરની સીમમાં સર્વે નંબર ૧૦૮૬ની ૩૨ વીઘા વડીલોપાર્જીત ખેતીની જમીન વજેપરના શિવા રામજી અને તેનો પરિવાર પડાવી લેવા અવાર નવાર ઝઘડા કરતા હોવાથી ચાલતી અદાવતના કારણે ત્રણેયની હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
દિલાવરખાન તેના પુત્ર મોમીનખાન અને ભાઇના પુત્ર અફઝલખાન વાડીએ હતા ત્યારે છ જેટલા બાઇક પર ૧૮ થી ૨૦ જેટલા શખ્સો ત્યાં ઘાતક હથિયાર સાથે ઘસી આવતા દિલાવરખાને મોરબીના મકરાણીવાસમાં રહેતા પોતાના ભત્રીજા વસીમભાઇને ફોન કરી જાણ કરી હતી.
વસીમભાઇ પઠાણ વજેપરની સીમમાં પહોચે તે દરમિયાન સતવારા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ભાગી જતા દિલાવરખાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જયારે મોમીનખાન અને અફઝલખાનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડાતા બંનેના મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.પઠાણ પરિવારની ત્રણ વ્યક્તિની એક સાથે હત્યા થયાનું મોડીરાતે જ જાહેર થતા હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ટોળે ટોળા એકઠાં થઇ જતા ડીવાય.એસ.પી. બન્નો જોષી, એલસીબી પી.એસ.આઇ. આર.ટી.વ્યાસ, તાલુકા પી.એસ.આઇ. એસ.એ.ગોહિલ સહિતના સ્ટાફે મોરબી, વજેપર અને હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે વસીમ પઠાણની ફરિયાદ પરથી હત્યાકાંડ સર્જી ભાગી છુટેલા સતવારા શખ્સોની શોધખોળ હાથધરી છે.
એક જ પરિવારની એક સાથે ત્રણ વ્યક્તિના કારણે પઠાણ પરિવારમાં અરેરાટી સાથે મામત છવાયો છે. અને હત્યાકાંડમાં સંડોવાયેલા તમામ શખ્સોની તાત્કાલીક ઝડપી લેવા માગ કરી રહ્યા છે.
હત્યાકાંડમાં સંડોવાયેલા ૧૨ શખ્સોની ધરપકડ
પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી ઝડપી હથિયાર કબ્જે કર્યા
મોરબીના લીલાપર રોડ પર વજેપરની સીમમાં જમીન વિવાદના કારણે પઠાણ પરિવારની ત્રણ વ્યક્તિની મોડીરાતે હત્યા કરી ફરાર થયેલા ૧૨ શખ્સોની પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા છે.
દિલાવરખાન પઠાણ, મોમીનખાન પઠાણ અને અફઝલખાન પઠાણની ગતમોડી રાતે તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ત્રણેયની લોઢ ઢાળી ફરાર થયેલા શખ્સોને મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા અને ડીવાય.એસ.પી. બન્નો જોષીના માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી અને એસ.ઓ.જી. સ્ટાફે ૧૨ શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી તલવાર અને ધોકા કબ્જે કર્યા છે. જ્યારે કેટલાક હથિયાર ઘટના સ્થળેથી મળી આવ્યા છે. હત્યાકાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.