જામનગર રોડ પર તબીબ વૃધ્ધનું પત્નીની નજર સામે ટ્રક નીચે કચડાતા મોત ગંજીવાડામાં
કારની ઠોકરે રાહદારીનું અને ગાય સાથે બાઇક અથડાતા યુવાનના મોત
શહેરના જામનગર રોડ પર ટ્રક નીચે કચડાતા તબીબ વૃધ્ધનું પત્નીની નજર સામે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે ગંજીવાડામાં કારની ઠોકરે રાહદારીનું અને ગાય સાથે બાઇક અથડાતા બે યુવાનના મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર આવેલી નેમીનાથ સોસાયટીમાં રહેતા બીપીનભાઇ રેવાશંકર દોશી નામના ૭૨ વર્ષના વણિક વૃધ્ધ તેમના પત્ની સાથે જામનગર રોડ પર નાગેશ્ર્વરમાં જીગીર દોશીની યુનિકેર હોસ્પિટલે મિત્રના ખબર અંતર પૂછવા જઇ રહ્યા હતા.
બીપીનભાઇ અને તેમના પત્ની જી.જે.૩બીડી. ૪૨૬૫ નંબરના એક્ટિવા પર જામનગર રોડ પર નાગેશ્ર્વર તરફ જવાના માર્ગ પર પહોચ્યા ત્યારે વિનોદનગરમાં પાણીના ટાકા પાસે રહેતા ઇમરાન અલ્તાફ ઘાચી જી.જે.૬એકસએકસ. ૮૮૭૩ નંબરનો ટ્રક લઇને પુર ઝડપે પસાર થતા બીપીનભાઇ દોશીને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે.
ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. આર.જે.જાડેજા સહિતના સ્ટાફે આનંદભાઇ બીપીનભાઇ દોશીની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
જયારે ગંજીવાડામાં રહેતા અને મજુરી કામ કરતા જીતેન્દ્ર ધીરજભાઇ નામના ૩૮ વર્ષના યુવાન મજુરી કામેથી રાતે ઘરે આવી રહ્યો હતો ત્યારે અજાણ્યા કારના ચાલકે તેને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાતા મોત નીપજ્યાની માંડાડુંગર પાછળ રહેતા મૃતક જીતેન્દ્રના બનેવી ભીમજીભાઇ ખેંગારભાઇ ચૌહાણે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. આર.બી.વાઘેલા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે. ગંજીવાડા પાસે દલિતનગરમાં રહેતા મુકેશ મોહનભાઇ રાઠોડ નામના ૩૫ વર્ષના યુવાન બાઇક પર ગંજીવાડા મહાકાળી ચોક પાસેથી પસાર થતો હતો ત્યારે ગાય સાથે બાઇક અથડાતા ગંભીર રીતે ઘવાતા મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.