મકાન પર પથ્થરોના છૂટા ઘા કરી મહિલા પર હુમલો કરતા ભક્તિનગર પોલીસે સામ – સામે ગુનો નોંધી આરોપીઓની પકડી લેવા તજવીજ હાથ ધરી
રાજકોટનાં હરીધવા મેઇન રોડ પર ગઈકાલે નજીક ડીજે વગાડવાના મુદ્દે બે પરિવારો વચ્ચે પથ્થર મારો થયો હતો જેમાં ત્રણ લોકોને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જે મામલે બંને પરિવારે સામસામે ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ સુખરામનગર શેરી નં.4માં રહેતા જીવણભાઈ ભગવાનજીભાઈ જીલરીયા (ઉં.વ.54)એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે.તેનો સગો નાનો ભાઈ ભરત (ઉ.વ.45) નું 2007માં એક્સિડન્ટ થયું હતું. જેને કારણે મગજનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. આમ છતાં તેના મગજમાં તકલીફ રહી ગઈ હતી. મોટે – મોટેથી અવાજ થાય એટલે તેને શરીરમાં આંચકી અને તાણ આવી જાય છે.આજે સાંજે પરિવારના સભ્યો સાથે તે ઘરે હતા. શેરમાં છેલ્લે રહેતા રઘાભાઈ પટેલના પત્ની ભાવનાબેન દશામાઁનું મંદિર ઘરે ચલાવે છે. તેને ત્યાં આજે કોઈની ધજા ચડાવવાની માનતા હતી. જેથી ફુલેકું કાઢ્યું હતું.જેમાં જોરજોરથી ડી.જે. વાગતું હોવાથી કહેવા ગયા હતા કે ‘ડી.જે. આગળના મેઈન રોડ પર જઈને વગાડો, મારા ભાઈ ભરતને તકલીફ થાય છે.’ આ વાત સાંભળી ડી.જે. બંધ કરી દીધું હતું.
ત્યારબાદ ડી.જે. લઈ આગળ જતા રહ્યા હતા. સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં ફુલેકુ ફરીને તેની શેરીમાં આવ્યું હતું. ત્યારે અચાનક મકાન પર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. રૂમમાંથી બહાર નીકળી જોતા રઘાભાઈ પટેલ, તેનો પુત્ર મૌલિક, તેનો મિત્ર રૂખલો ઉર્ફે રૂખી, રવલા ઉર્ફે રવી પટેલ, હિરેન પટેલ, વિપુલ પટેલ અને અજાણ્યા છ શખ્સો તેની ડેલી તોડીને દિવાલ ટપીને અંદર ધસી આવ્યા હતા. આવીને ઈંટો અને ગડબાના આડેધડ ઘા શરૂ કર્યા હતા. જેમાં તેના ડાબા પગના સાથળના ભાગે અને કપાળના ભાગે ઈંટનો ઘા લાગતા મુંઢ ઈજા થઈ હતી. તેની પુત્રી પૂવિકાના કપાળના ભાગે ઈંટનો ઘા વાગતા તેને પણ ઈજા થઈ હતી.અને બારીના કાચ તોડી નાખતા અંદાજે 15 હજારનું નુકસાન થયું હતું. આ મામલે ભક્તિનગર પોલીસે તમામ સામે રાયોટીંગ સહિતનો કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષે ભાનુબેન વલ્લભભાઈ અકબરી (ઉં.વ.56, રહે. મારૂતિ પાર્ક સોસાયટી, શેરી નં.1, મેટોડા જી.આઈ.ડી.સી. નજીક)એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે,વારે-તહેવારે પરીવાર સાથેસુખરામનગર શેરી નં.4માં રહેતા ભાવનાબેનના મકાનમાં સ્થિત દશામાઁના મંદિરે દર્શન કરવા આવે છે. આજે અષાઢી બીજ હોવાથી સાંજે પાંચેક વાગ્યે જમાઈ મનીષ, પુત્રી મિત્તલ, પુત્ર વિપુલ અને પુત્રવધૂ રૂપલ સાથે કારમાં દર્શન કરવા આવ્યા હતા.
સાંજે પોણા છએક વાગે ત્યાં પહોંચતા ધજાનું ફુલેકું નીકળેલું હતું. જેમાં ડી.જે. વાગતું હતું. કાર પાર્ક કરીને પરીવારના સભ્યો સાથે ભાવનાબેનના ઘરે મંદિરે પગપાળા જતા હતા ત્યારે નજીકમાં ઉભા રહી પરીવારના સભ્યો સાથે વાત કરતા હતા તે વખતે મકાનની અંદરથી અચાનક પથ્થરમારો થતા એક પથ્થર તેના કપાળમાં વાગતા લોહી નીકળવા લાગ્યું હતું. જેથી રોડ પર જ પડી જઈ બેભાન બની ગયા હતા. તપાસ કરતા જીવણભાઈ બોરીચાએ ફુલેકામાં ડી.જે. વાગતું હતું. તે નહી ગમતા પથ્થરમારો કરી ઈજા પહોંચાડ્યાનું જાણવા મળતા તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.