ચાર શખ્સોએ ધારીયા, ધોકા, પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો
હળવદના સાપકડા ગામે જમીનના ડખ્ખામાં મારમારી થઈ હતી. જેમાં ત્રણથી વધુ વ્યક્તિઓ ઘાયલ થતા આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ચાર શખ્સોએ ધારીયા, ધોકા, પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ મારમારીના બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શંકરભાઇ ભીખાભાઇ નંદેસરીયા (ઉ.વ.55, રહે.સાપકડા, હળવદ) એ આરોપીઓ ભુપતભાઇ ગોરધનભાઇ કાંજીયા, નાનજીભાઇ ગોરધનભાઇ કાંજીયા, મુન્નાભાઇ ઘનશ્યામભાઇ કાંજીયા, રામદેવભાઇ ભુપતભાઇ કાંજીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.31 ના રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં સાપકડા ગામે ફરીયાદીના રહેણાંક મકાનની સામે ફરીયાદી તથા આરોપીને જમીન બાબતે અગાઉ ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ધારીયા, ધોકા, પાઇપ જેવા હથિયારો વડે ફરીયાદીને જમણા હાથના પંજા તથા આંગળીઓમાં ફેક્ચર જેવી તેમજ સાહેદ ભાવનાબેનને ડાબા હાથની આંગળીમાં ફેક્ચર તેમજ અન્ય સાહેદોને નાની મોટી ઇજાઓ કરી હતી. આ બનાવની ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ 323, 324, 325, 504, 506(2), 114 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.