અક્ષર પટેલ, હરમનપ્રિત કૌર અને સ્મિતી મંધાનાની પસદંગી, આઈસીસી દ્વારા 10મી ઓક્ટોબરે જીતનાર ખેલાડીનું નામ બહાર પાડવામાં આવશે
જ્યારે ક્રિકેટની વાત આવે છે અને ભારત-પાકિસ્તાનનું નામ સામે ન આવે તે સમજવું મુશ્કેલ છે. ક્રિકેટ બંને દેશોમાં સૌથી લોકપ્રિય રમત છે. ક્રિકેટના મેદાનથી લઈને ક્રિકેટ એવોર્ડ સુધી બંને દેશના ખેલાડીઓ એકબીજામાં સામે ટક્કર આપતા જોવા મળે છે. આ મહિનાના આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ માટે ત્રણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં એક ભારત અને એક પાકિસ્તાનનો ખેલાડી પણ સામેલ છે. ભારતના અક્ષર પટેલ અને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન ઉપરાંત ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીન પણ આ યાદીમાં સામેલ છે. મહિલાઓની વાત કરીએ તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મન્થ માટે નામાંકિત કરવામાં આવી છે.
આ ત્રણેય ખેલાડીઓને તેમના શાનદાર ક્રિકેટના કારણે સપ્ટેમ્બરમાં નોમિનેટ કરવામાં આવ્યા છે. હવે આમાંથી એક ખેલાડીને વોટિંગ દ્વારા આ એવોર્ડ આપવામાં આવશે. તમે આઈસીસીની ઓફિશિયલ વેબસાઈટ પર વોટિંગ કરીને તમારા મનપસંદ ખેલાડીઓને તમારો સપોર્ટ આપી શકો છો. ગયા મહિને ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તે ઝિમ્બાબ્વે તરફથી કોઈપણ આઈસીસી એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો. આઈસીસી દ્વારા જાન્યુઆરી 2021માં આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આઈસીસી દર મહિને પોતાના ખેલાડીઓને આ એવોર્ડ આપી રહ્યું છે. આ મહિને આપણે ભારતના અક્ષર પટેલ અને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન વચ્ચેની રોમાંચિત ટક્કર જોઈ શકીશું.
અક્ષર પટેલે સપ્ટેમ્બર મહિનામાં ભારત માટે શાનદાર રમત રમી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ઝ20 શ્રેણીમાં પોતાની શાનદાર બોલિંગના દમ પર ભારત માટે મેચ જીતી હતી. એશિયા કપ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઈજા અને પછી સર્જરીના કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાના સ્થાને આગામી ઝ20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યારે ઘણા લોકોએ તેની ટીકા પણ કરી હતી. પરંતુ અક્ષર પટેલે તેના પરફોર્મન્સના આધારે બધાને જવાબ આપી દીધા હતા. વર્લ્ડકપમાં ભારત માટે અક્ષર પટેલ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીમાં તેણે ત્રણ મેચમાં 8 વિકેટ ઝડપી હતી. તે શ્રેણીમાં તેની રણનીતિ પણ શાનદાર હતી. જો અક્ષર આ એવોર્ડ જીતશે તો તે મજબૂત મનોબળ સાથે ટી20 વર્લ્ડ કપમાં જશે. આઈસીસી દ્વારા 10મી ઓક્ટોબરે જીતનાર ખેલાડીનું નામ બહાર પાડવામાં આવશે.