ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ત્રણ અપક્ષ એમએલએ ગમે તે ઘડીએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લ્યે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. કોઇપણ ઘડીએ તેઓને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ભાજપમાં વિધિવત પ્રવેશ આપી દેવામાં આવશે. ભાજપે ટિકિટ ન આપતા પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા બાયડ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને તેઓ વિજેતા બન્યાં હતા. તેઓ 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા હતા. તેઓ પક્ષ પલ્ટો કરી ભાજપમાં જોડાયા હતા.
જો કે પેટા ચૂંટણીમાં હારી ગયા હતા. આ વખતે ભાજપે ટિકિટ ન આપતા તેઓએ બાયડ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ધાનેરા વિધાનસભા બેઠક પરથી વિજેતા બનેલા ધારાસભ્ય માવજીભાઇ દેસાઇ અને વડોદરાની વાઘોડીયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને સમર્થન આપવાનું નક્કી કરી લીધું છે.
જો કે ક્યારે કેસરિયા કરવા તે અંગે હજી કોઇ ફોડ કર્યા નથી. ત્રણ પૈકી બે ધારાસભ્યો સતત ભાજપના વખાણ કરી રહ્યાં છે જ્યારે ધવલસિંહ ઝાલા અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. હવે આ ત્રણેય અપક્ષ ધારાસભ્યો કેસરિયા કરે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. વિધાનસભામાં ભાજપને 156 બેઠકો મળી છે. હવે ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપવાનું નક્કી કરી લીધું હોય ગૃહમાં ભાજપની બહુમતી 159એ પહોંચી જવા પામી છે.