- સોમનાથ-દ્વારકાના દર્શન કરી પરત ફરતા ક્રુઝર પધ્ધર ગામ પાસે પુલના ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત : 8 લોકોને ઈજા
ભુજ-ભચાઉ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં 3 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ઉપરાંત 8 લોકોને ઇજા પહોંચ્યાના અહેવાલ મળી રહ્યા છે. ક્રુઝર પુલના ડિવાઈડર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો તેવી પ્રાથમિક માહિતી હાલ સામે આવી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મામલામાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ભુજ-ભચાઉ હાઇવે પર આજે વહેલી સવારે તુફાન ક્રુઝરને અકસ્માત નડ્યો હતો. મૂળ માધાપર, ભુજનો સોની પરિવાર પોતાની તુફાન ક્રુઝરમાં સોમનાથ-દ્વારકા દર્શનાર્થે ગયો હતો. પરત ફરતી વેળાએ આજે સવારે 6 વાગ્યાં આસપાસ પધ્ધર ગામ નજીક સુજલોન-બીકેટી વચ્ચે ગાડી આડે કૂતરું આવી જતાં ગાડી પુલના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જે ઘટનામાં દિનેશભાઇ સુરેન્દ્રભાઈ સોની(ઉ.વ.49), મનોજભાઈ સુરેન્દ્રભાઈ સોની (ઉ.વ.55) નામના બે સગાભાઈ અને દિલીપભાઈ હીરજીભાઈ સોની(ઉ.વ.62) વૃદ્ધનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, મૃતકો બાપા દયાળુનગર, માધાપરના રહેવાસી હતા અને સોનીકામનો વ્યવસાય ધરાવતા હતા.
જયારે ઘટનામાં ગીતાબેન સોની(ઉ.વ.40), મહિમાબેન દિનેશભાઇ સોની(ઉ.વ.20), અનિતાબેન દિનેશભાઇ સોની(ઉ.વ.38), કિશનભાઈ મનોજભાઈ સોની(ઉ.વ.20), લક્ષ્મીબેન સુરેશભાઈ સોની(ઉ.વ.60), ખુશીબેન દિનેશભાઇ સોની(ઉ.વ.20), ગીતાબેન દિલીપભાઈ સોની(ઉ.વ.53) એમ કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. હાલ તમામ લોકો ભુજ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને તમામની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર સોની પરિવાર સોમનાથ-દ્વારકા ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે પધ્ધર ગામ પાસે કૂતરું આડું આવી જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ક્રુઝર પુલના ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક અહેવાલ મુજબ ચાલકને ઝોલું આવી જતાં અકસ્માત સર્જાયો હતો તેવી પણ માહિતી સામે આવી છે જો કે, આ બાબત ફકત લોકમુખે ચર્ચાઈ રહી છે જેનો કોઈ પુરાવો સામે આવ્યો નથી.
કૂતરૂ આડું આવી જતાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો
પ્રાપ્ત વિગત અનુસાર દર્શન કરીને પરત ફરતા સોની પરિવારને પધ્ધર ગામ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં પુલ નજીક કૂતરું આડું આવી જતાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ક્રુઝર પુલના ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સગાભાઈ સહીત કુલ 3 લોકો મોતને ભેંટ્યા છે. જયારે 8 લોકો ઈજાગ્રસ્ત થયાં છે જેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતને પગલે સોની વેપારી સંગઠનના હોદેદારો હોસ્પિટલ દોડી ગયાં
અકસ્માતમાં મોતને ભેંટનાર લોકો સોની વેપારીઓ હતા. અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા ભુજ અને માધાપરના સોની વેપારી સંગઠનના હોદેદારો તેમજ વેપારીઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સોની વેપારીઓ હાજર હોવાના દ્રશ્યો સર્જાયા હતા.