- જેટીનાં પીલર બનાવતી વખતે દુર્ઘટના: એન્જિનિયર અને સુપરવાઇઝર તોતિંગ ક્રેઈન નીચે કચડાઈ ગયા, એક શ્રમિક દરિયાનાં પાણીમાં પટકાયો
દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કોસ્ટગાર્ડ માટે જેટીનાં પીલર બનાવતી વખતે આજે સવારે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ધડાકાભેર ક્રેઈન તૂટી પડતા એન્જિનિયર અને સુપરવાઇઝર તોતિંગ ક્રેઈન નીચે કચડાઈ ગયા હતા, જ્યારે એક શ્રમિકદરિયાનાં પાણીમાં પટકાતા ત્રણે’ય કર્મચારીઓનાં કરૂણ મોત નીપજ્યા હતા. જો કે, જેના પગલે જીએમબી, કોસ્ટગાર્ડ, પોલીસ અને વહીવટી તંત્રને દોડધામ થઈ ગઈ હતી. જો કે, આ ગંભીર દુર્ઘટનાનું કારણ અકબંધ રહ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના ઓખા બંદર ખાતે આવેલી ગુજરાત મેરીટાઈમ બોર્ડની જેટી પર કોસ્ટગાર્ડ માટે પીલર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં આજે સવારે આશરે 11 વાગ્યે જેટી પર કાર્યરત ક્રેઈનનો આગલો ભાગ ધડાકાભેર તૂટી પડયો હતો. જેના કારણે ક્રેઈન નીચે ઉભેલા એક એન્જિનિયર અને એક સુપરવાઈઝર લોખંડનાં ભારેખમ કાટમાળ તળે કચડાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક મજૂર પણ ગંભીર રીતે ઘાયલ થવા સાથે દરિયાનાં પાણીમાં પટકાયો હતો, જેને તાબડતોબ બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, પણ ત્યાં પહોંચતા પહેલા જ મોત થતાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ બાબતની જાણ કરાતા સ્થાનિક પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો સંભાળી દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, મૃતકમાં નિશાંતસિંઘ રામસિંહ (ઉ.વ. 25, રહે. રતનપુર સુરકાબાદ યુ.પી.) તથા અરવિંદકુમાર મુરારીલાલ (ઉ.વ. 25, રહે. નાગલા ગંજ, યુ.પી.) તથા જીતેન્દ્ર ગોબરીયા ખરાડી (ઉ.વ. 30, રહે. સલુનિયા, યુપી.)નો સમાવેશ થાય છે. આ ઘટના બાદ ઓખા જેટી ખાતે 108 એમ્બ્યૂલન્સ, ફાયર વિભાગ, પોલીસ તેમજ કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જો કે, પ્રાથમિક તબક્કે ગંભીર દુર્ઘટનાનું કારણ બહાર આવ્યું નથી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડયાએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ઓખા બંદરે ક્રેઈન દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. અહીં કોસ્ટગાર્ડ માટે નવી જેટીનું કામ ગુજરાત મેરીટાઇમ બોર્ડની દેખરેખ હેઠળ ચાલી રહ્યું હતું. ક્રેઈન તૂટવાને કારણે મૃત્યુ પામનારમાં એક એન્જિનિયર, એક સુપરવાઈઝર અને એક મજૂરનો સમાવેશ થાય છે. આ અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેના કારણો શું હતા ? તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.