વાવડી ગામે યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, રંગપરની પરિણીતાનું દાઝી જતા મોત
મોરબી પંથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં કાજરડા ગામે રહેતી પરિણીતાએ ઝેર ગટગટાવી જીવન ટુંકાવ્યું હતું. જયારે વાવડી ગામના યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે અને રંગપર પાસે રહેતી પરિણીતાનું દાઝી જવાથી મોત નિપજવાની ઘટના પણ પોલીસ ચોપડે નોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના કાજરડા ગામે રહેતી રેશ્માબેન બિલાલભાઈ ભટ્ટી નામની ૩૦ વર્ષની પરિણીતાએ બાળકોને પૈસા આપવાની બાબતે પતિ સાથે ઝઘડો થતા પોતાના ઘરે ઝેરી દવા પી લેતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જયારે વાવડી ગામે નંદનવન સોસાયટીમાં રહેતા હાર્દિકભાઈ પ્રકાશભાઈ નામના ૨૨ વર્ષીય યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. કોઈ અગમ્ય કારણોસર યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની જાણ થતા એ.એસ.આઈ આર.બી.વ્યાસ સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
અન્ય બનાવમાં મુળ મધ્યપ્રદેશની અહિં રંગપર ગામ પાસે બેટીના સિરામીકમાં રહેતી થાપુભાઈ જીતેન્દ્રભાઈ માલવી નામની ૨૪ વર્ષીય પરિણીતા ગત ૨૩મી નવેમ્બરના આ બનાવની વેળાએ દાઝી જતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયાં તેમણે દમ તોડતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. પોલીસે તમામ ઘટનાની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.