મનહર સોસાયટી, જંગલેશ્ર્વર અને નાણાવટી ચોકમાંથી રૂ.૭૦,૮૦૦નો દારૂ કબ્જે
શહેરમાં જુગાર અને દારુની બંદીને દામવા પોલીસે કવાયત હાથ ધરી છે. ત્યારે શહેરના નાણાવટી ચોક, જંગલેશ્ર્વર અને મનહર સોસાયાટીમાં વિદેશી દારુની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રૂ.૭૦,૮૦૦ની કિંમતની ૬૨૦ બોટલ સાથે ત્રણ બુટલેગરોને ઝડપી લીધા હતા.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્ર્વર અને મનહર સોસાયટી અર્થે વિદેશી દારુ ઉતાર્યો હોવાની બાતમીના આધારે ક્રાંઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. તેમાં જંગલેશ્ર્વરમાં રહેતા સબીર ઉર્ફે સબલો વલી મામદ સમાનાં રહેણાંક મકાનમાંથી રૂ.૫૭,૬૦૦ની કિંમતના વિદેશી દારુના ચપલા ૪૮૦ અને બિયરના ૯૬ નંગ મળી આવતા પોલીસે બુટલેગરની ધરપકડ કરી હતી. થોરાણા વિસ્તારમાં આવેલી મનહર સોસાયટીમાં રહેતો સંજય ઉર્ફે ઠાકુર કિશોર સરવૈયાને રુપિયા ૧૨,૦૦૦ની કિંમતની ૪૦ બોટલ દારુ સાથે દબોચી લીધો હતો.
જ્યારે નાણાવટી ચોક પાસે આવેલા આર.એમ.સી. આવાસ યોજનાનાં ક્વાર્ટરમાં રહેતો હનીફ યુસુફ જુણેજા વિદેશી દારુની હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી રૂ.૧૨૦૦ની કિંમતની ૪ બોટલ વિદેશી દારુ સાથે ઝડપી લીધો હતો. પોલીસે ત્રણેય બુટલેગરો સામે ગુનો નોંધી દારુ ક્યાંથી અને કોના માટે લાવ્યાની પૂછપરછ હાથધરી હતી.