રાજકોટના બે અને શાપરની એક ચોરીના ગુનાની કબુલાત: રૂ.૮૧ હજારનો મુદામાલ કબ્જે
શહેરના આજી ડેમ ચોકડી પાસેથી ત્રણ રીઢા તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી પૂછપરપછ કરતા તેને રાજકોટમાં બે અને એક શાપર-વેરાવળમાં ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે તેની પાસેથી રૂ.૮૧ હજારનો મુદામાલ કબ્જે કરી વધુ ચોરીના ગુનામાં સંડોવાયાની શંકા સાથે વિશેષ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજી ડેમ ચોકડી પાસેથી સત કબીર રોડ ભગીરથ સોસાયટીના રવિ રસીક સોલંકી, મોરબી રોડ પુલ પાસે ઝૂંપડામાં રહેતા ભૂરો શામજી સિંધવ અને માકેર્ટીંગ યાર્ડ દ્વારકાનગરના રવિ રમેશ લુદરીયા નામના શખ્સોને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. યુ.બી.જોગરાણા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ જંયતીભાઇ ગોહિલ અને કરણભાઇ મારૂ સહિતના સ્ટાફે ત્રણેયની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને થોરાળા અને ભક્તિનગર વિસ્તારમાંથી બે બાઇકની ચોરી કર્યાની અને શાપર-વેરાવળમાંથી એક મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી છે.પોલીસે ત્રણેય તસ્કરો પાસેથી માઇક્રોમેકસ કંપનીનું એલઇડી ટીવી, લીનો કંપનીનું મોનિટર, ઇલેકટ્રીક વજન કાટો, બે બાઇક મળી કુલ રૂ.૮૧ હજારનો મુદામાલ ક્બ્જે કરી ત્રણેયને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.